કચરા જેવા કારણમાં ભાઇઓ વચ્ચે લોહિયાળ લડાઈ, એકનો ગયો જીવ

શિવા વસાવા પોતાની મજૂરી કામમાં વળતર તરીકે મળતા રૂપિયા બેંકમાં મુકતો હતો. જેની બેંકની પાસબુક નાનાભાઇ પ્રભાત પાસે રહેતી હતી

Updated By: Nov 22, 2017, 10:18 AM IST
કચરા જેવા કારણમાં ભાઇઓ વચ્ચે લોહિયાળ લડાઈ, એકનો ગયો જીવ
નાની લડાઈમાં ગયો જીવ

રાજપારડી : વડોદરા જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં આવેલા કાંટીદરા ગામે બે સગા ભાઇઓ વચ્ચે એક નાની એવી બાબતમાં લોહિયાળ લડાઈ થઈ હતી. અહીં બેંકની પાસબુક બાબતે ભાઇઓ વચ્ચે થયેલા ઝઘડામાં મોટાભાઇએ નાના ભાઇને માથામાં કુહાડીના ઘા મારી તેનો જીવ લઈ લીધો હતો. જોકે હત્યા કરી ભાગેલા આરોપીને રાજપારડી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. 

આ ઘટનાની વિગતો જોઈએ તો મૂળ ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે રહેતો 58 વર્ષનો શિવા સરાધભાઇ વસાવા વડોદરા ખાતે મજૂરી કામ કરતો હતો. તે છેલ્લા દોઢ માસથી પોતાના મૂળ વતન કોટીદરા ગામ પોતાના નાનાભાઇ પ્રભાત વસાવા સાથે રહેતો હતો. શિવા વસાવા પોતાની મજૂરી કામમાં વળતર તરીકે મળતા રૂપિયા બેંકમાં મુકતો હતો. જેની બેંકની પાસબુક નાનાભાઇ પ્રભાત પાસે રહેતી હતી. તાજેતરમાં શિવા વસાવાએ નાનાભાઇ પ્રભાત વસાવા પાસે પોતાની બેંકની પાસબુક માગી હતી. તેના વળતા જવાબમાં નાનાભાઇ પ્રભાતે આ બાબતે સવારમાં વાત કરવા જણાવ્યું હતું.

આવી નાની વાતમાંથી મામલો બિચક્યો હતો. ઝઘડો વધતા મોટાભાઇ શિવાએ ઉશ્કેરાઇ જઇ હાથમાં કુહાડી લઇ નાનાભાઇ પ્રભાતને માથામાં ઘા મારતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. નાનાભાઇ પ્રભાતની કરપીણ હત્યા કરી શીવા વસાવા ભાગી ગયો હતો. જે બનાવે પ્રભાત વસાવાની પત્ની રમીલા વસાવાએ શિવા વસાવા વિરુદ્ધ હત્યાની ફરીયાદ નોંધાવી હતી. જ્યારે ભાગતા ફરતા હત્યાના આરોપી શિવા વસાવાની રાજપારડી પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.