તંત્ર આખું પૂરમાં તણાયેલી કારના ડ્રાઈવરને શોધતું રહ્યું, અને ડ્રાઈવર માસીના ઘરે આરામથી સૂતો હતો!
Junagadh Rain : તો જૂનાગઢમાં સવારે ધોધમાર વરસાદ.. વંથલીમાં ખાબક્યો 6 ઈંચ વરસાદ.. તો કેશોદમાં વરસ્યો 5 ઈંચ.. જિલ્લાના 62 ગામ થયા સંપર્ક વિહોણા..
Trending Photos
Junagadh Flood : ગઈકાલ સાંજથી જુનાગઢમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે ચોમેર પાણી ભરાયા છે. ત્યારે આ વચ્ચે જુનાગઢના માળિયા હાટીનામા અજીબ ઘટના બની હતી. તંત્ર પૂરમાં તણાઈ ગયેલ ઈકો કારના ડ્રાઇવરને શોધતુ રહ્યું અને ડ્રાઇવર આરામથી પોતાના માસીના ઘરે સૂતો રહ્યો હતો.
માળીયા હાટીના તાલુકાની આ ઘટના છે. જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામે ગત રાત્રે નદીમાં ભારે પૂરને કારણે એક ઈકો કાર તણાઈ હતી. જેમાં સવાર ડ્રાઇવર લાપતા બન્યો હતો. આ બાદ માળીયા હાટીના પોલીસ અને મામલતદાર દ્વારા મોડી રાત સુધી ઈકો કારના ડ્રાઇવરની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ વધુ વરસાદ અને અંધારાને કારણે તંત્ર તાલુકા મથક પર પરત રવાના થયું હતું. આજે વહેલી સવારે ફરી વખત પોલીસ અને મામલતદાર સહિત તંત્રનો કાફલો કાત્રાસા ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડ્રાઇવરની શોધ ખોળ ચાલુ કરી હતી. આ દરમિયાન ગામ લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
આ શોધખોળ ચાલુ હતી તેવામાં ડ્રાઇવર દ્વારા ત્યાં ગામના કોઈને વીડિયો કોલ કરવામાં આવ્યો અને જાણકારી આપી કે હું મારા માસીના ઘરે વડાળા ગામે છું. સાંજે ઇકો તણાઈ તેમાં કાચ તોડી અને નીકળી ગયો હતો. તેમજ કાત્રાસાથી અમરાપુર ગામે ચાપાણી પી અને વડાળા ગામે નીકળી ગયો હતો.
આમ, એક તરફ તંત્રને ઈકો કારના ડ્રાઇવર ની ચિંતા હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. જ્યારે ડ્રાઇવર બિન્દાસ તેમના માસીના ઘરે આરામ કરી રહ્યો હતો. આમ, પૂર વચ્ચે પણ હસવા જેવા ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલથી ભારે વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવતા વાળી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ પૂરની સ્થિતિ યથાવત છે. ગામનો રસ્તો ધોવાઈ જતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે નદીના કાંઠા પર આવેલ વિજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પોલના વીજ વાયરો પણ જમીન નજીક લટકી રહેલા દેખાયા હતા. લાઠોદ્રા ગામના લોકો દ્વારા વહેલી તકે રીપેરીંગ કરવાની માંગ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે