વિકાસના નામે બરબાદી! કેમ ગુજરાતના 42 ગામના ખેડૂતોએ તંત્ર સામે ફૂંક્યું રણશિંગું? જમીન જવાનો લાગ્યો ડર
Gujarat goverment : જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. તો કેટલીક જગ્યાએ જમીનના ભાવને લઈ મામલો અટક્યો છે. ગાંધીનગરમાં ભારત માલા પ્રોજેક્ટનો 42 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. શું હતો આ વિરોધ? કેમ કર્યો વિરોધ?
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: કેન્દ્રની મોદી સરકારનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ભારત માલા દેશમાં વિકાસના એક નવા દ્વાર ખોલવાનો છે. સમગ્ર ભારતને રોડ કનેક્ટીવીટી જોડનારો આ પ્રોજેક્ટ ઘણી જગ્યાએ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહ્યો છે. જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. તો કેટલીક જગ્યાએ જમીનના ભાવને લઈ મામલો અટક્યો છે. ગાંધીનગરમાં ભારત માલા પ્રોજેક્ટનો 42 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. શું હતો આ વિરોધ? કેમ કર્યો વિરોધ?
વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવેલો મોદી સરકારનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ભારત માલા હાલ અનેક જગ્યાએ વિરોધનો સામનો કરી રહ્યો છે. જમીન સંપાદનને લઈ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. ગાંધીનગર જિલ્લાના 42 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો. જો કે આ વિરોધ કંઈ પહેલીવાર નથી, આ પહેલા પણ ગાંધીનગરના ખેડૂતો વિરોધ કરી ચુક્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમારી મહામુલી જમીન અમે પ્રોજેક્ટ માટે નહીં આપીએ. બીજી તરફ દેશના વિકાસ અને વિકાસના કામો માટે જમીન જરૂરી છે. પરંતુ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત કપાત થતી જમીનને બચાવવા માટે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
ખેડૂતોનો આ વિરોધ કંઈ નવો નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જમીન સંપાદન મામલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે તે ભારત માલા પ્રોજેક્ટ છે શું?, તે પણ તમે જાણી લો. તો ભારતમાલા એ કેન્દ્ર સરકારનો રોડ અને હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં રસ્તાઓ, હાઇવે અને એક્સપ્રેસવેનું નક્કર નેટવર્ક બનાવવાનો છે. ભારતમાલા પ્રોજેક્ટમાં 83 હજાર 677 કિલોમીટર રોડના નેટવર્કની કલ્પના કરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કુલ રોકાણ 10.63 લાખ કરોડ થવાનો અંદાજ છે. ભારતમાલા પ્રોજેક્ટ દેશના અત્યાર સુધીના બિનજોડાણ અને દૂરના વિસ્તારોને જોડવાની પરિકલ્પના કરે છે.
ભારત માલા પ્રોજેક્ટનો ઉદ્દેશ પણ તમે જાણી લો...તો ભારતમાલા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રસ્તાઓની સ્થિતિ સુધારવાનો છે. પ્રોજેક્ટની અન્ય કેટલીક વિશેષતાઓ પણ છે. જેની વાત કરીએ તો, 50 રાષ્ટ્રીય કોરિડોર બાંધવામાં આવશે, જેનાથી માલસામાનની ટ્રાફિકની ભીડમાં ઘટાડો થશે. આ કોરિડોરથી માલવાહક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવરજવર કરશે. દેશભરના 550 જિલ્લાઓને જોડવામાં આવશે. હાલમાં માત્ર 300 જેટલા જિલ્લાઓ જ રાષ્ટ્રીય ધોરીમાર્ગોથી જોડાયેલા છે. તે દેશના લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (LPI)ને રજૂ કરશે. તે એક પરિમાણ છે જે વેપાર અને લોજિસ્ટિક્સના પ્રદર્શન પર પડકારો અને તકોનો સામનો કરવામાં મદદ કરે છે. આ પ્રોજેક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.
ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે વિરોધ કરે તે ખોટું નથી. પરંતુ દેશના વિકાસ માટે જો જરૂરી હોય તો ખેડૂતોએ જમીન આપવી જ પડે છે અને તે બંધારણમાં લખેલું છે. જમીનના ભાવની લઈ સમસ્યા હોઈ શકે પરંતુ ખેડૂતો એવું કહે કે અમે જમીન નહીં જ આપીએ, તો એ ખોટું છે. કારણ કે જો બધા લોકો જમીન આપવાની ના પાડી દે તો દેશમાં એક પણ રોડ કે રસ્તા ન બને. દેશનો સમાવેશી વિકાસ થઈ જ ન શકે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે