અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 5 મુરતીયાઓએ ઠોકી દાવેદારી !

ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષની હાજરીમાં પ્રદેશ કાર્યાલય કમલમ પર રવિવારે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 5 મુરતીયાઓએ ઠોકી દાવેદારી !

બ્રિજેશ દોશી/અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષની હાજરીમાં પ્રદેશ કાર્યાલય કમલમ પર રવિવારે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો. કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકો મળી. તે પહેલા ઝોન વાઇઝ નિરિક્ષકો સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સ્થાનિક સ્તરેથી આવેલા નામોને લઇને નિરિક્ષકોએ રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે બેઠક કરી. તમામ 41 જિલ્લા-મહાનગરોની હાલની સ્થિતિને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ જોતા શહેરી વિસ્તારોમાં દાવેદારી વધુ જોવા મળી. 

શહેરી વિસ્તારોમાં ભાજપમાં હંમેશા સવર્ણ જ્ઞાતિઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે ત્યારે સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં પણ અનેક દાવેદારો સામે આવ્યા. બેઠકમાં ચર્ચાયેલા નામોમાં મુખ્ય 5 નામો પર ચર્ચા થઇ. જેમાં વર્તમાન શહેર પ્રમુખ જગદીશ પંચાલે ફરી દાવેદારી કરી છે. જગદીશ પંચાલ નિકોલના ધારાસભ્ય છે અને આ તેમની શહેર પ્રમુખ તરીકે પહેલી ટર્મ હતી ત્યારે બીજી ટર્મ માટે તેમણે દાવો કર્યો છે. જો કે તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિખવાદો જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમો હોય કે મુખ્યમંત્રીના કાર્યક્રમો, તમામ કાર્યક્રમોમાં હાજરીને લઇને વિવાદો જોવા મળ્યા. ક્યાંક સંખ્યા ઓછી હતી તો ક્યાંક નર્સીંગના વિદ્યાર્થીઓને હાજર રાખવા પડ્યા હતા. 

જગદીશ પંચાલ સામે સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના લોકોએ પણ અનેક રજૂઆતો કરી હતી જેના કારણે એવું મનાઇ રહ્યું હતું કે તેમને રીપીટ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે પણ તેમ છતાં તેમની દાવેદારી અડગ રહી છે. આ ઉપરાંત મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલના નામો પર પણ ચર્ચા થઇ. સુરેશ પટેલે પોતે શહેર પ્રમુખ બનવા માટે દાવો કર્યો છે જ્યારે હસમુખ પટેલને સાંસદ બન્યા બાદ હવે શહેર પ્રમુખ બનવાની ઇચ્છા ઓછી છે. આ ઉપરાંત પૂર્વ મેયર અને ટૂંકા ગાળા માટે શહેર પ્રમુખ બનેલા અમિત શાહનું નામ પણ ચર્ચામાં છે. 

 

ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ હર્ષદ પટેલનું નામ પણ રજૂ થયું છે પણ તેઓ પોતે ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ હોવાથી શહેર પ્રમુખ બને તેવી શક્યતા ઓછી છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન મહિલા મેયરની આગેવાનીમાં છે ત્યારે શહેર પ્રમુખ તરીકે મહિલા આગેવાનને તક આપવા માગ ઉઠી હતી પણ અમદાવાદ શહેર સંગઠન સૌથી મોટું અને ભાજપનું મુખ્ય સંગઠન હોવાથી મહિલાને પ્રમુખ તરીકે તક આપે તેવી શક્યતા નહિવત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news