નવસારીમાં પૂર બાદ ગુજરાત મહારાષ્ટ્રનો સંપર્ક કપાયો, નેશનલ હાઈવે બંધ કરાયો
Navsari Flood Updates : જિલ્લામાં પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી-આલીપોર માર્ગ પર કાવેરી નદીમાં પૂરને કારણે પાણી ફરી વળ્યાં છે. આ કારણે નેશનલ હાઇવે નં. 48 ચીખલી નજીક બંધ કરાવાયો
Trending Photos
નિલેશ જોશી/નવસારી :નવસારી જિલ્લામાં ભારે વરસાદથી 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.
નવસારી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ડિઝાસ્ટર કચેરીએ ગત રાતથી હાજર છે. જિલ્લામા 2 NDRF ની ટીમ બચાવ માટે કાર્યરત કરાઈ છે. તો નવસારીમાં એક અને બીલીમોરામાં એક તૈનાત કરાઈ છે. સુરત અને વલસાડથી વધુ બે NDRF ની ટૂકડી બોલાવી લેવાઈ છે. જેથી સ્થળાંતરમાં મદદરૂપ થઈ શકે.
આ પણ વાંચો : Navsari Flood : નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા
જિલ્લામાં પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી-આલીપોર માર્ગ પર કાવેરી નદીમાં પૂરને કારણે પાણી ફરી વળ્યાં છે. આ કારણે નેશનલ હાઇવે નં. 48 ચીખલી નજીક બંધ કરાવાયો છે. નવસારીના નવીન નગરમાંથી NDRF ની ટીમે 8 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે ફસાયેલા 21 લોકોનું બીલીમોરા સ્થિત NDRF ની ટીમે રેસ્ક્યુ કર્યું છે. જિલ્લામાં પોલીસ દ્વારા પણ નદી કિનારા સાથે રસ્તાના પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો છે.
વાંસદા વઘઇ માર્ગ પર નાની વઘઇ નજીક રોડ પર પાણી ફળી વળતા નેશનલ હાઇવે બંધ કરવાની જરૂર પડી છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો માર્ગ બંધ થયો છે. ડાંગ જિલ્લામાંથી મહારાષ્ટ્ર જવા વઘઈ વાંસદા રોડ બંધ થયો છે. આ માર્ગ પર અનેક વાહનો પાણીમાં તણાયા જેવી સ્થિતિ જોવા મળી. એક કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. ટ્રાન્સપોર્ટ તેમજ નોકરિયાત વર્ગને આ માર્ગ પરથી આવવા જવા માટે હાલાકી વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે