લોભીયાનો માલ ધુતારા ખાય: ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ

લોભીયાનો માલ ધુતારા ખાય: ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ

* નકલી નોટોના બંડલ દેખાડીને નાણા બમણા કરવા ઇચ્છતા લોકોને લલચાવતા
* કચ્છમાં અનેક લોકોને આ ટોળકી દ્વારા ચુનો ચોપડવામાં આવ્યો હોવાની શક્યતા
* અમદાવાદ પોલીસે વધારે એક ઠગ ટોળકીને ઝડપી લેવામાં મળી સફળતા

મૌલિક ધામેચા/અમદાવાદ : નવી નોટોના બંડલ બતાવી એકના ડબલ આપવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડી છે. કચ્છ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો સાથે ઠગાઈ આચરી ચુકેલી આ ટોળકી પાસેથી ઝોન 2 ડીસીપી સ્કવોર્ડે 1.45 લાખની રોકડ, અને કાર સહિત મોબાઈલ પણ કબજે કર્યો છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સાલેઅલી 20 વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ આચરતો હતો. જો કે આ ટોળકી અમદાવાદમાં આવતા હોવાની બાતમી ઝોન 2 ડીસીપી સ્કવોડને મળી હતી. પોલીસને એવી પણ માહિતી હતી કે  કેટલાંક શખ્સો સ્વિફ્ટ કાર લઈને અમદાવાદમાં મોતીમહેલ હોટેલમાં રોકાયા છે. 

આરોપીઓને બમણા વળતરની લાલચે છેતરપિંડી આચરતા
આરોપીઓ લાલચી અને નબળા મનના લોકો સાથે વાત કરી હાજી તરીકે પોતાની ઓળખ આપતા અને ઠગાઇ આચરે છે. બાદમાં પોતાની પાસેની નકલી ચલણી નોટો કોઈ પણ બજારમાં ચાલી જાય તેવી આપી સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતે છે. આ ટોળકીની  મોડેસ ઓપરેન્ડી પણ અલગ પ્રકારની હતી, જેથી લોકોને શંકા નાં જાય. આરોપીઓ અસલી ચલણી નોટો સામે નકલી નોટો ડબલ આપવામાં આવશે તેવી લાલચ ગ્રાહકને આપતા હતા. ત્યાર બાદ ગ્રાહક સાથેના પહેલા સોદામાં આરોપીઓ અસલી નોટ આપતા. જેથી અસલી કરન્સી માર્કેટમાં ચાલી જાય એટલે ગ્રાહકને ટોળકી પર વિશ્વાસ બેસતો હતો. પછીથી અન્ય કોઈ મોટા ચલણીનોટોના સોદામાં આરોપીઓ  ગ્રાહકને નકલી કરન્સી આપી તેની સાથે ઠગાઈ આચરતા. હાલમાં આરોપીઓ અમદાવાદમાં જ હોવાની ચોક્કસ હકીકત ધ્યાને આવતા ઝોન 2 પોલીસ સ્કવોડે પણ બનાવટી ગ્રાહકને રૂપિયા આપી છટકું ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પહેલાથી મળેલી બાતમીના આધારે પોલીસે ટોળકીને ઝડપી
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ શખ્સમાં હાસમખાન પઠાણ, સાલે અલી શમા અને અબ્દુલ કેવર તમામ ભુજના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ પાસેથી કાર, રોકડા 1.45 લાખ, 5 મોબાઈલ સહિત કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઠગ ટોળકીનો મુખ્ય સૂત્રધાર આરોપી સાલે અલી સમા છેલ્લા 20 વર્ષથી આજ મોડેશ ઓપરેન્ડીથી અનેક લોકોને ઠગાઈનો ભોગ બનાવી ચુક્યા છે. મુખ્ય સૂત્રધાર ગાંધીનગરના કુખ્યાત જશું ચૌધરીનો સાગરીત હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરુ કરી છે કે આ ટોળકીનાં અન્ય કેટલા સાગરીતો છે જે પોલીસ પકડથી બહાર રહીને અન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news