લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો પુત્ર નીકળ્યો

 ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન લગ્ન પ્રસંગોમાં કરવામાં આવે છે. અનેક વખતે આવા શુભ પ્રસંગોમાં પોતાનો રૂઆબ બતાવવા ફાયરીંગની ઘટનાઓ પણ બને છે, જોકે છેલ્લા કેટલાક સમયથી આવો જ રૂઆબ અને પોતાની વગ બતાવવાનો ચસ્કો ગુજરાતીઓને પણ લાગ્યો છે. લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં ખુલ્લેઆમ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલા સુધી કે, લોક ડાયરાઓમાં પણ આવી જ રીતે બિન્દાસ ફાયરિંગ કરાય છે. ત્યારે સુરત ભાજપના નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના દીકરાના લગ્નમાં પણ આવી જ રીતે ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન કરાયું હતું, તો બીજી તરફ ખુદ વરરાજાએ હવામાં ફાયરીંગ કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે, આ લગ્નમાં ભાજપના નેતા અને તેમના પત્નીએ પણ ફાયરિંગ કર્યું હતું. 

Updated: Feb 12, 2019, 04:26 PM IST
લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો પુત્ર નીકળ્યો

તેજશ મોદી/સુરત : ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન લગ્ન પ્રસંગોમાં કરવામાં આવે છે. અનેક વખતે આવા શુભ પ્રસંગોમાં પોતાનો રૂઆબ બતાવવા ફાયરીંગની ઘટનાઓ પણ બને છે, જોકે છેલ્લા કેટલાક સમયથી આવો જ રૂઆબ અને પોતાની વગ બતાવવાનો ચસ્કો ગુજરાતીઓને પણ લાગ્યો છે. લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં ખુલ્લેઆમ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલા સુધી કે, લોક ડાયરાઓમાં પણ આવી જ રીતે બિન્દાસ ફાયરિંગ કરાય છે. ત્યારે સુરત ભાજપના નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના દીકરાના લગ્નમાં પણ આવી જ રીતે ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન કરાયું હતું, તો બીજી તરફ ખુદ વરરાજાએ હવામાં ફાયરીંગ કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે, આ લગ્નમાં ભાજપના નેતા અને તેમના પત્નીએ પણ ફાયરિંગ કર્યું હતું. 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ઉહાપોહ મચ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં રહેતા ભાજપના કદાવર નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસિયાનાં પુત્ર કૃણાલસિંહ વાંસિયાના વસંત પંચમીના દિવસે લગ્ન હતા. કામરેજના પાલી ગામે લગ્નનો વરઘોડો પહોંચ્યો હતો ત્યારે અચાનક વરઘોડામાં ફાયરિંગનાં અવાજ આવતા લોકો ડરી ગયા હતા. જોકે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટના કેદ કરી લીધી હતી. જેમાં હિતેન્દ્રસિંહ વાંસિયા અને તેમની પત્ની રિવોલ્વર હાથમાં પકડીને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી રહ્યા હતા. ત્યાં હાજર લોકો બુમો પાડી પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ ઘટનાના વીડિયો સાથે અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં ખુદ વરરાજા કૃણાલસિંહના હાથમાં રિવોલ્વર હતી, લોકો તેને પોતાના ખભા પર ઊંચકી નાચી રહ્યા હતાં. ત્યારે કૃણાલસિંહે પણ પોતાના હાથમાં રહેલી રિવોલ્વરમાંથી એક
રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

vlcsnap-2019-02-12-14h40m07.jpg

પ્રતિબંધ વચ્ચે ફાયરિંગ

ખુલ્લેઆમ હથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે રાજ્યના ગૃહવિભાગ અને ડીજીપી દ્વારા એક પરીપત્ર તમામ જીલ્લાનાં પોલીસ વડાને અને પોલીસ કમિશનરને પાઠવવાવમાં આવ્યો હતો, જેમાં લગ્નપ્રસંગ કે કોઇપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. જોકે સુરત જિલ્લામાં લગ્નમાં થયેલા ફાયરિંગને લઈને ખુદ પોલીસ પણ હજુ અંધારામાં છે, અને તેઓ પાસે પણ હજુ સુધી આ વીડિયો પહોંચ્યો નથી. જેથી પોલીસ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

અરજી આવશે તો કાર્યવાહી કરીશું

આ અંગે ઝી 24 કલાકે સુરત જીલ્લા પોલીસ વડા એ. એમ. મુનિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો, તો કામરેજ પોલીસ મથકના પીઆઈ કરણસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાબતના વીડિયો મળ્યા નથી. મીડિયા દ્વારા જ અમને આ અંગે જાણ થઇ છે, તો આ અંગે અરજી લઈને તપાસ કરીશું. કારણ કે ગૃહ વિભાગના જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધના પરિપત્રનું ઉલ્લંઘન થયું છે.

મહિલાનું થયું હતું મોત

લગ્નમાં થઇ રહેલા ખુલ્લેઆમ ફાયરીંગની ઘટનાઓમાં કેટલીક વખત નિર્દોષ વ્યક્તિઓના મોત પણ થાય છે. ત્યારે બે મહિના અગાઉ સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે લક્ષ્મીનગર સોસાયટીમાં પોતાના મકાનની અગાસીમાં ઊભા રહી લગ્નનો વરઘોડો જોતા સાવિત્રીબેન બડગુજરના અચાનક માથા અને કાનના ભાગે ઇજા થતા ઢળી પડ્યા હતા. પોસ્ટમોટમમાં ખબર પડી હતી કે સાવિત્રીબેનનું મોત ગોળી વાગવાના કારણે થયું હતું. આ ઘટનામાં દેવરાજભાઈ બડગુજર ઘર પાસેથી લગ્નનો વરઘોડો પસાર થઇ રહ્યો હતો, જેમાં કરાયેલા ફાયરીંગમાં જ સાવિત્રીબેનનું મોત થયું હતું.