ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દોહિત્રી આવી આઈટીની રેડની ઝપેટમાં, રાજકારણમાં મોટી હલચલ

Gujarat Ex Chief Minister Anandiben Patel : અમદાવાદમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન...  આઈટી વિભાગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા પાડ્યા
 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દોહિત્રી આવી આઈટીની રેડની ઝપેટમાં, રાજકારણમાં મોટી હલચલ

IT Raid In Ahmedabad : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આઈટી વિભાગે ધામા નાંખ્યા છે. અનેક કંપનીઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈથી આવેલી આવક વિભાગની ટીમ તહેલકો મચાવી રહી છે. ત્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે, આઈટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે. 

આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા
ગુજરાતમાં લોકસભા પહેલાં IT વિભાગ દીવાળી ઉજવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત દરોડા પડી રહ્યાં છે. જેમાં ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ બાકાત નથી. અમદાવાદમાં ફાર્મા કંપની, બિલ્ડરો, શાકભાજીના હોલસેલના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો રડારમાં આવ્યા છે. એકાએક તવાઈને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં છે. અમદાવાદમાં અડધા વ્હાઈટ અને અડધા કાળાં નાણાં લેવાનો ખેલ શરૂ કરાયો છે. જેને પગલે આગળ પણ કાર્યવાહી થાય તો નવાઈ નહીં. પરંતુ આઈટી વિભાગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા પાડ્યા છે. જેમાઁથી બેનામી વહેવારો મળી આવ્યા હોવાનું જાણવા મલ્યુઁ છે. 

સંસ્કૃતિ જયેશ પટેલ આનંદીબેનના પુત્રી અનાર પટેલની પુત્રી
દરોડાની ઝપેટમાં આવેલી કંપનીના બોર્ડમા પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના હાલના ગર્વનર આનંદીબેન પટેલના દોહિત્રી સંસ્કૃતિ જયેશ પટેલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. સંસ્કૃતિ જયેશ પટેલ આનંદીબેનના પુત્રી અનાર પટેલની પુત્રી છે. ત્યારે દરોડામાં આનંદીબેનના પરિવારનું નામ આવતા સમગ્ર કેસ ચર્ચાના વિષય બન્યો છે. 

શુક્રા કંપનીનું ટર્નઓવર એકાએક વધ્યુ 
શુક્રા ફાર્માના ડિરેક્ટર્સના ઘર, કંપનીની ઓફિસો અને સરકારી કોન્ટ્રાક્ટર્સના એકમો પર મળીને 15 થી 18 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 100 થી વધુ અધિકારીઓની મદદ લેવાઈ છે. આ રેડમાં કંપનીના વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાનું પણ કહેવાય છે. સાથે મોટાપાયે મની લોન્ડરીંગ થયુ હોવાનું પણ કહેવાય છે.જેથી ઓફિસોમાંથી હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી છે. શુક્રા ફાર્માના ટર્નઓવરમાં એકાએક આવેલો વધારો અનેક શંકા પેદા કરે છે. વર્ષ 2022-23 ના નાણાંકીય વર્ષના અંતે કંપનીનું ટર્નઓવર 46 કરોડ હતુ, જેની સામે માત્ર જુન 2023 ના પ્રથમ ત્રણ મહિનાના ગાળમાં 20 કરોડને આંબી ગયુ હતું. 

શુક્રા ફાર્માસ્યૂટિકલ્સના શંકાસ્પદ આર્થિક વહેવારો પકડાયા 
અમદાવાદમાં લગભગ 15 થી 20 સ્થળોએ આવકવેરાની ટીમે દરોડા પાડ્યા છે. જેમાં શુક્રા ફાર્માસ્યૂટિકલ્સના શંકાસ્પદ આર્થિક વહેવારોની માહિતી સામે આવી હતી. આ દરોડાથી રાજકારણમા ચર્ચા ઉઠી છે કે, ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ આ દરોડાનું મૂળ કારણ છે. અમ્યુકોના પૂર્વ કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના વર્તમાન ચેરમેન સુજય મહેતાના બેનામી હિસાબો સામે આવ્યા છે. 

ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડરો ઝપેટમાં 
ગઈકાલે સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાના ઘરે દરોડા પડ્યા છે. શુક્રા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુજય મહેતા અને તેમની પત્ની ડિરેક્ટર પદે છે. એકાએક દરોડાની કાર્યવાહીને પગલે ગુજરાતમાં સોંપો પડી ગયો છે. ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ ઝપટમાં આવતાં બિલ્ડરો ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા લગાવી રહ્યાં છે. સ્વામીનારાયણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ ITની નજરમાં ચડ્યાં છે. 

દેશભરમાં આઈટી દરોડા પડ્યા 
ઉલ્લેખનીય છે કે, હાલ દેશભરમાં IT ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. જેમાં બિલ્ડર ગ્રૂપોના મોટા ગપલાં બહાર આવ્યા છે. મુંબઈથી શરૂ થયેલો રેડનો સિલસિલો ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઇના કલ્પતરૂ લિમિટેડના ત્યાં દેશભરમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં દરોડા ચાલી રહ્યા છે. જેમાં 42 કરોડ રોકડા અને 600 કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. મુંબઈ આવકવેરા વિભાગની તપાસમાં અધિકારીઓને મુંબઈના બિલ્ડરો અમદાવાદમાં જમીનો ખરીદીને સ્થાનિક બિલ્ડરો સાથે મળીને સ્કીમ બનાવીને પ્રોજેક્ટ બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news