ગુજરાતના આ નેતાની સીઆર પાટીલે જોઈ દોઢ કલાક રાહ, શું મોટા નેતા બની ગયા!

Gujarat BJP : કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓનો  આવકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરત બોઘરા બે કલાક મોડા પડ્યા, તો પાટીલે જાહેર મંચ પરથી ટિપ્પણી કરી

ગુજરાતના આ નેતાની સીઆર પાટીલે જોઈ દોઢ કલાક રાહ, શું મોટા નેતા બની ગયા!

Gujarat BJP Internatal Politics : ગુજરાતમાં હાલમાં ભાજપનો ભરતીમેળો ચાલુ છે. ભાજપ કોંગ્રેસ આપમાંથી ભાજપમાં જોડાવવા ઉત્સુક તમામને આવકારી રહી છે. જેના પગલે દરેકના મોંઢા પર એક સવાલ છે કે ભાજપ કોંગ્રેસ મુક્ત કરવાના પ્રયાસમાં કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે. અત્યારસુધી 100થી વધારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હાલની સરકારમાં પણ કોંગ્રેસ કૂળના કેબિનેટ મંત્રીઓ છે. ભાજપના સતત ભરતી મેળાને પગલે હવે મૂળ ભાજપીઓ ચિંતામાં મૂકાયા છે. ગઈકાલે પણ બે પૂર્વ MLA કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. આ સમયે પાટીલે જાહેરમાં કહ્યું હતું કે, મારા નેતાઓ આવ્યા નહોતા. આ કારણે ભરતી મેળો દોઢ કલાક મોડો શરૂ થયો હતો. હું તો આવી ગયો હતો પણ અમુક નેતાઓ નહોતા આવ્યા જેથી કાર્યક્રમ મોડો શરૂ થયો છે. 

સમયસર ન પહોંચ્યા બોઘરા 
ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ, કાર્યકરો સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમે ભાજપમાં જોડાયા હતા. જેઓએ કમલમમાં એકથી દોઢ કલાક લાઈન લગાવીને બેસી રહેવું પડ્યું હતું. કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓ, કાર્યકરોની ભરતી માટે આયોજિત કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત સમય કરતા દોઢ કલાક મોડો શરૂ થયો હતો. જેના કારણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને મંચ ઉપર આવ્યા બાદ તરત જ દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. આમ પાટીલે તો જાહેરમાં નારાજગી દેખાડી હતી. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ કોંગ્રેસીઓ સાથે થયો હતો. 2 પૂર્વ ધારાસભ્ય ભારે હોંશે હોંશે ટાઈમસર પહોંચ્યા હતા પણ બોઘરા પહોંચી શકયા ન હતા. જેના કારણે તમામ નેતાઓ તેમની રાહ જોઈને બેસી રહ્યાં હતા. બોઘરાએ 12 વાગે પહોંચવાનું હતું પણ તેઓ દોઢ કલાક મોડા આવ્યા હતા. 

પાટીલે જાહેરમાં ટકોર કરી સંભળાવી દીધું 
ભાજપે દેશમાં કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષોમાંથી નેતાઓ, ધારાસભ્યો, આગેવાનોને જોડવા માટે એક કમિટી રચી છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ એક કમિટી રચાઈ છે. આ મધ્યસ્થી કમિટીના ચેરમેન ડો.ભરત બોઘરા ટ્રાફિકમાં ફસાઈ પડતા પ્રદેશ કાર્યાલયે સવારે ૧૧ વાગ્યાથી આવીને ભાજપમાં પોંખાવાની રાહ જોઈ રહેલા કોંગ્રેસીઓને દોઢેક કલાક સુધી  રાહ જોવી પડી હતી. સોમવારે બપોરે ૧૨-૩૦ કલાકને બદલે છેક બે વાગ્યા આસપાસ આ કાર્યક્રમ શરૂ થતા પ્રદેશ અધ્યક્ષ પાટીલે મોડા આવેલા ભાજપના જ પદાધિકારી અને નેતાઓ સામે સખત નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. હવે ચર્ચાઓ પણ એવી થવા લાગી છે કે બોઘરા હવે એક કમિટીના ચેરમેન બની જતાં તેઓ મોટા નેતા તો બની ગયા નથી. જેઓએ પાટીલ સહિત તમામને રાહ જોવડાવી હતી.

ભરત બોઘરાને સોંપાઈ છે મોટી જવાબદારી
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાની હેઠળ ઓપરેશન લોટસ લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા એક આંકડામાં લાવી દે તો પણ નવાઈ નહિ. 

આવો છે બોઘરાના ભરતીમંડળનો માસ્ટર પ્લાન 
ડો. ભરત બોઘરાએ ગુજરાતના દરેક પ્રદેશમાં વગ ધરાવતા નેતાઓની એક ટીમ બનાવી છે અને દરેક નેતાને બબ્બે જિલ્લા સોંપવામાં આવ્યા છે. આ રીતે તેમણે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ક્યા નેતા ભાજપમાં પ્રવેશ માટે આતુર છે તેની યાદી તૈયાર કરી છે. ઉપરાંત, આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક પાંચ લાખથી વધુ સરસાઈથી જીતવાના લક્ષ્યાંકને અનુરુપ જ્ઞાતિ સમીકરણો મુજબ ક્યા નેતાની જરૂર છે તેની પણ એક અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. જે નેતાની ભાજપને જરૂર છે તેમને વળતર તરીકે હોદ્દો આપવાનો અને એ સિવાયના નેતાઓને વચનો આપીને કે તેમના કામ પૂરા કરવાની ખાતરી આપીને ભાજપમાં લાવવા આ રણનીતિ હેઠળ બોઘરાની ટીમ આક્રમકતાથી કાર્યરત થઈ ચૂકી છે. ચિરાગ પટેલ અને સી.જે. ચાવડાની વિદાય પછી હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૫ જેટલી છે. હજુ પાંચ ધારાસભ્યો તોડીને વિધાનસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા જો એક આંકડે લાવવામાં ભાજપને સફળતા મળશે તો એ અભૂતપૂર્વ ગણાશે. 
 
બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક
ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news