ગુજરાતમાં સરકાર બનાવવાના કોંગ્રેસના અભરખા, છેલ્લી ઘડીએ SC-ST-OBC કાર્ડ કેમ ફેંક્યું

Gujarat Congress Master Stroke : અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો....સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રેસની સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી બની શકે.....કોંગ્રેસની સરકાર બની તો SC, ST અને લઘુમતી સમાજમાંથી ડેપ્યુટી સીએમ બની શકે....

ગુજરાતમાં સરકાર બનાવવાના કોંગ્રેસના અભરખા, છેલ્લી ઘડીએ SC-ST-OBC કાર્ડ કેમ ફેંક્યું

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન હજી બાકી છે. પહેલા તબક્કાના ઓછું મતદાન થતા જ ત્રણેય રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં એક્ટિવ થઈ ગઈ છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ વોટ કરવા અપીલ કરી રહ્યાં છે. તો ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ સત્તામાં આવે તો OBC મુખ્યમંત્રી, SC-ST તેમજ અલ્પસંખ્યક સમાજના 3 નાયબ મુખ્યમંત્રી બનશે તેવો સૂત્રોનો દાવો છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ SC-ST-OBCકાર્ડ કેમ ફેંક્યું તે સવારો ઉઠ્યા છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે આ મત વિસ્તારોને ટાર્ગેટ કરીને કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. 

ગુજરાતમાં સરકાર બનાવવાના કોંગ્રેસના અભરખા 
ગુજરાતમાં સરકાર બને તે પહેલાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને અશોક ગેહલોત વચ્ચે બંધ બારણે આ બેઠક થઈ હતી. બેઠકમાં ચૂંટણીના સંભવિત પરિણામ અંગે ચર્ચા કરવામાં આવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મોટો દાવ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી બની શકે છે. કોંગ્રેસની સરકાર બની તો ત્રણ ડેપ્યુટી સીએમ બનાવાશે. જેમાં SC, ST અને લઘુમતી સમાજમાંથી ડેપ્યુટી સીએમ બનશે. 

કોંગ્રેસ ગુજરાતમા છેલ્લાં 27 વર્ષો સરકાર બનાવવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ક્યારેય સફળ ગયુ નથી. ત્યારે ઓબીસી મુખ્યમંત્રી કેમ તેવો સવાલ થતો હોય તો આ રહ્યો જવાબ. ઉત્તર ગુજરાતની 5 મહત્વની બેઠકો પર ઓબીસી મતદારો હુકમના એક્કા સમાન છે. જો બીજા તબક્કામાં કોંગ્રેસને વધુ મત મેળવવા હોય તો આ પ્લાન કારગત સાબિત થઈ શકે છે. 

કોંગ્રેસે કેમ રમ્યો ઓબીસી સીએમનો દાવ
બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વિશેષ છે. 
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઓબીસી મતદારો છે
મધ્ય ગુજરાતની 28 બેઠકો પર ઓબીસી વર્ચસ્વ વધુ છે
મધ્ય ગુજરાતની 15 બેઠકો પર એસસી મતદારોની વધુ સંખ્યા
મધ્ય ગુજરાતની 5 બેઠકો પર એસટી મતદારોનું વર્ચસ્વ છે
ઉત્તર ગુજરાતની 7 બેઠકો પર આદિવાસીઓની વધુ સંખ્યા છે

કોંગ્રેસના આવા નિર્ણયો લેવા પાછળ અનેક કારણો છે. બીજા તબક્કાના મતદાનમાં 6 SC બેઠક આવે છે. જેમાં ભાજપે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 3 બેઠક જીતી હતી. તો એક બેઠક કોંગ્રેસે જીતી હતી. એક બેઠક અપક્ષના ખાતામાં આવી હતી. બીજા તબક્કામાં આવતી SC બેઠકની વાત કરીએ તો, વડોદરા શહેર, અસારવા, દાણીલીમડા, ઈડર, કડી અને વડગામનો સમાવેશ થાય છે. તેથી જ ગુજરાત કોંગ્રેસ ત્રણમાંથી એક નાયબ મુખ્યમંત્રી એસસી જ્ઞાતિના હોવાનું નક્કી કર્યું છે. 

હવે બીજા તબક્કામાં આવતી એસટી બેઠકની વાત કરીએ. જેમાં 13 ST બેઠક આવે છે. કોંગ્રેસે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં 8 બેઠક પર જીત મેળવી હતી. જે કોંગ્રેસ માટે પોઝિટિવ પાસું છે. અહીં કોંગ્રેસની વોટબેંક મોટી સંખ્યામાં છે. 2017 ની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 4 બેઠક આવી હતી. તો અપક્ષના ખાતામાં 1 બેઠક હતી.

બીજા તબક્કામાં કઈ-કઈ એસટી બેઠક...
છોટાઉદેપુર - કોંગ્રેસ
જેતપુર - કોંગ્રેસ
સંખેડા - ભાજપ
ગરબાડા - કોંગ્રેસ
દાહોદ - કોંગ્રેસ
લીમખેડા - ભાજપ
ઝાલોદ - કોંગ્રેસ
ફતેપુરા - ભાજપ
મોરવા હડફ - અપક્ષ
સંતરામપુર - ભાજપ
ભિલોડા- કોંગ્રેસ
ખેડબ્રહ્મા- કોંગ્રેસ
દાંતા- કોંગ્રેસ
            
બીજા તબક્કામાં આદિવાસી પ્રભાવિત જિલ્લા...
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર  

આમ, ગુજરાત કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જે કોંગ્રેસના વોટબેંકને સીધી અસર કરી શકે છે. 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક તેમની સાથે રહે છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી કોંગ્રેસના ખાતાના જ વોટ પડે છે. આ કમિટેડ વોટે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જાળવી રાખ્યું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે, ત્યારે પોતાના પક્ષ તરફ વોટ કોંગ્રેસની આ રાજનીતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news