કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ, સ્કૂલોમાં સંક્રમણ વધ્યું

Updated By: Mar 14, 2021, 09:43 AM IST
કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ, સ્કૂલોમાં સંક્રમણ વધ્યું
  • સુરત એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો કેસ જોવા મળ્યો છે
  • સુરતમાં લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં ભેગા ના થવા સુરત મનપા કમિશનરે અપીલ કરી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 775 કેસ નોંધાયા અને 2 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 206 કેસ, અમદાવાદમાં 187, વડોદરામાં 84 અને રાજકોટમાં 77 નવા કેસ નોંધાયા છે. પહેલીવાર એવું બન્યું છે કે, કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ છે. ત્યારે સુરતમાં લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં ભેગા ના થવા સુરત મનપા કમિશનરે અપીલ કરી છે. તો સાથે જ રેસ્ટોરન્ટ માલિકોને પાર્સલ સુવિધા આપવા વિનંતી કરાઈ છે. સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. તો બીજી તરફ, સુરત જ એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકન બંને સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. 

આ પણ વાંચો : નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્યું હતું 

સુરતમાં કોરોનાના 2 સ્ટ્રેન દેખાયા 
સુરત એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો કેસ જોવા મળ્યો છે. સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો દાવો છે. તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.

આ પણ વાંચો : વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે સત્તા માટે જંગ, મતદારો નક્કી કરશે કોણ વહીવટ સંભાળશે

ઓનલાઈન ક્લાસ શરૂ કરવા અનુરોધ કરાયો 
સુરતમાં એક કોલેજ અને બે સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાઈ છે. બર્ફીવાલા કોલેજમાં 10 કેસ પોઝિટિવ આવ્યા છે. તો સાથે જ બે પ્રાથમિક સ્કૂલમાં 20 કેસ પોઝિટિવ આવ્યા છે. 49 સ્કૂલ કોલેજમાં 3699 લોકોના ટેસ્ટ કરાયા છે. સુરતમાં કોરોનાનો આંક ડબલ સદીને પાર થઈ ગયો છે. સુરત શહેરમાં 206 નવા કેસો મળી આવ્યા છે. આથી સુરત શહેરની તમામ શૈક્ષણિક સંકુલોને કોરોના વાયરસના હાલના સંક્રમણને ધ્યાનમાં લેતા જરૂરી તકેદારી રાખવા અને શક્ય હોય તો શૈક્ષણિક કાર્ય બંધ કરી ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે અનુરોધ કરાયો છે. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

હોટલ રેસ્ટોરન્ટમાં લોકો ભેગા થવાનું લોકો ટાળે
સુરતમાં 1200 એક્ટિવ કેસ છે. જેમાંથી 1200 પૈકી 700 કેસ અઠવા અને રાંદેર ઝોનના છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રેસ્ટોરન્ટ માલિકોને પાર્સલ સુવિધા શરૂ કરવા વિનંતી કરાઈ છે. મોલ માલિકો દ્વારા પણ મોલ રવિવારે બંધ રાખવા અપીલ કરાઈ છે. સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સુરતીઓને અપીલ કરી કે, માસ્ક નહીં પહેરનારાઓને ટોકો. માસ્ક નહીં પહેરનારાઓને ટોકો અને કોરોનાને રોકોનું સૂત્ર અપનાવો. હોટલ રેસ્ટોરન્ટમાં લોકો ભેગા થવાનું લોકો ટાળે. શક્ય હોય ત્યાં સુધી લોકો પાર્સલ ડિલિવરી લે. સ્કૂલોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.