ગુજરાતના ખેડૂતોનું નસીબ ચમકશે, જલ્દી જ CMO માંથી થશે મોટી જાહેરાત

Gujarat Farmers Package : કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ રાહત આપી... હજુ બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી... ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું માવઠું... માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસીઓ પલળી લઈ... આવામાં સરકારની સહાય પર ખેડૂતોની નજર છે 

ગુજરાતના ખેડૂતોનું નસીબ ચમકશે, જલ્દી જ CMO માંથી થશે મોટી જાહેરાત

Gujarat Weather Forecast : હવે કુદરતી માર વચ્ચે છેવટે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હવે સરકાર વહારે આવે અને કોઈ સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં ચારથી પાંચ વાર કમોસમી માવઠું આવી ગયું છે. જેમાં ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડ્યું છે અને આજે થયેલ માવઠામાં ખેડૂતો પર પડતા પર પાટુ જેવી સ્થિતિ થવા પામી છે. ત્યારે ખેડૂતો કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતરની રાહ જોઈને બેઠા છે. ત્યારે મુખ્યમંત્રી બે દિવસમાં કૃષિ નુકસાન બદલ સહાય પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા છે. પાકના ધોવણ સામે ખેડૂતોને 500 કરોડની સહાય મળી શકે છે. 

માર્ચ અને એપ્રિલમાં થયેલ કમોસમી વરસાદથી ઘઉ અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. કમોસમી વરસાદથી ઘઉ અને ડાંગરનો પાક આડો પડી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર માત્ર બે હેક્ટર અને ૩૩ ટકા નુકસાનની મર્યાદામાં વળતર આપે છે. સરકાર વળતરની સહાયના નિયમોમાં ફેરફાર કરી સહાય ચુકવે તેવી ખેડુતોની માંગ કરી છે. ડાંગરનાં પાકમાં કમોસમી વરસાદને પગલે રોગચાળો આવ્યો છે. ડાંગરનાં બ્લાસ્ટ નામનો વાઇરસ આવતાં ચોખાના દાણાનો નાશ થયો છે. એક વિધામાં ૭૦ થી ૮૦ મણ ડાંગરનું ઉત્પાદન થતું હતું જે ઘટીને માત્ર ૨૦ મણ થયું છે. એક વિધા ડાંગરમાં ખેડૂતને ૬ થી ૮ હજારનો ખર્ચ થઈ રહ્યો છે. આવામાં રોગચાળાના પગલે ડાંગરના ઉત્પાદનમાંથી ખર્ચ નીકળવો પણ મુશ્કેલ છે. ભુતકાળમાં જાહેર થયેલ સહાય પણ ખેડુતો સુધી ન પહોંચી હોવાનો ખેડૂતોનો દાવો છે. 

સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકાર બે દિવસમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરી શકે છે. હાલ સરકારે માવઠાને કારણે પાકને નુકસાનનો સરવે પૂર્ણ કરી લીધો છે. જેમાં રાજ્યના 13 જિલ્લાના 60 તાલુકાઓને નુકસાન થયાની માહિતી છે. આ માટે 500 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે. સરવેના નિયમ મુજબ, 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને જ આ સહાય ચૂકવવામાં આવશે. કહેવાય છે કે, અગાઉ આ પેકેજ 200 કરોડનું હતું, પરંતું સહાય ચૂકવવામાં વિલંબ થતા નુકસાનનુ કદ પણ વધી ગયું છે. હાલ અગાઉ થયેલા સરવે પ્રમાણે જ સહાય મળશે. 

રાજ્યમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સાર્વત્રિક વરસાદે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જયો છે. સતત માવઠાના મારથી ખેડૂતો બેહાલ બન્યા છે. વીજળી પડતાં બે દિવસમાં પાંચ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. આમ તો ગુજરાતમાં માર્ચની શરૂઆતથી માવઠું થઈ રહ્યું છે, પણ માવઠાના નવો રાઉન્ડ સાર્વત્રિક છે. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત તમામ જગ્યાએ બે દિવસથી માવઠું પડી રહ્યું છે.

વરસાદથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. તાપમાન ઘટતાં લોકો ખુશ છે, જો કે આ જ વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ક્યાંક વાવણી પર પાણી ફરી વળ્યું છે, તો ક્યાં ઉભા પાક પર. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી કૃષિ જણસીઓ પણ વરસાદમાં પલળી ગઈ છે. આ સ્થિતિ રાજ્યમાં ઘણી જગ્યાએ સર્જાઈ છે. ભુજ માર્કેટ યાર્ડમાં શેડ ના હોવાથી એરંડા, ઈસબગુલ અને ગવાર સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતો અને વેપારીના ભાગે કમોસમી નુકસાન આવ્યું છે.

રાજકોટના ગોંડલ યાર્ડમાં ખુલ્લાાં પડેલો મરચા અને ડુંગળીનો પાક પલળી ગયો છે. યાર્ડમાં શેડની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો અને વેપારીઓએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નુકસાનનો અંદાજ હાલ માંડી શકાય તેમ નથી. જુનાગઢ યાર્ડમાં ખુલ્લાાં પડેલા કેરીના બોક્ષ પલળી ગયા છે. તો ગીરમાં આંબા પરની કેરીને પણ નુકસાન થયું છે. રાજ્યના ઘણા એવા યાર્ડ છે, જ્યાં શેડની યોગ્ય વ્યવસ્થા નથી. યાર્ડના સત્તાધીશોએ હવે જાગી જવું પડે તેમ છે.

માવઠા વચ્ચે વીજળી પડતાં બે દિવસમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં વીજળી પડતાં 25 વર્ષના યુવાનનું મૃત્યુ થયું, તો કચ્છના લાખોદમાં વીજળી પડતાં ઝાડ નીચે ઉભેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. માવઠાંનો માર હજુ અટક્યો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં હજુ બે દિવસ માવઠાનું સંકટ તોળાય છે. બીજી મેથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news