કેમ જયસુખના જામીન માટે રાજી થઈ ગઈ ગુજરાત સરકાર? સરકારી વકીલે આ માટેના કારણો પણ શોધ્યા!
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/મોરબી: મોરબીના ઝુલતા પુલ કાંડના આરોપી જયસુખ પટેલના જામીન માટેનો માર્ગ મોકળો કરવા હવે ખુદ રાજ્ય સરકાર આગળ આવી છે. સરકારી વકીલે આ માટે હાઈકોર્ટ સમક્ષ મુદ્દાસર રજૂઆત પણ કરી છે. જો કે પીડિતોએ સરકારના વલણનો વિરોધ કર્યો છે. તેઓ નથી ઈચ્છતા કે તેમનાં સ્વજનોને છીનવનાર વ્યક્તિને જામીન મળે.
જયસુખ પટેલને જામીન મળે તે માટે ખુદ સરકાર આગળ આવી
મોરબીની એ ગોઝારી ઘટનાને તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે, જેમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઝુલતો પૂલ તૂટ્યા બાદ હજુ મચ્છુ નદીમાં લટકી રહ્યો છે, જ્યારે પુલનું સમારકામ કરનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલ જેલમાં છે. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે, ત્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળે તે માટે ખુદ રાજ્ય સરકાર આગળ આવી છે. સરકારી વકીલે આ માટેના કારણો પણ શોધી કાઢ્યા છે. તેમણે હાઈકોર્ટમાં કહ્યું કે કોર્ટની ટ્રાયલ લાંબી હોવાથી જામીન આપી શકાય તેમ છે. સરકારે જયસુખ પટેલનો પક્ષ લેતાં પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા જેવો ઘાટ સર્જાયો છે. જો કે પીડિતોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે જયસુખ પટેલને જામીન આપવામાં ન આવે.
135 લોકોએ પોતાની જિંદગી ગુમાવીને કિંમત ચૂકવવી પડી
મોરબીનો જે ઝુલતો પુલ 135 જિંદગીઓ માટે કાળ બન્યો તેની ખરાબ સ્થિતિ અંગે ઓરેવા કંપનીને જાણ હતી. પીડિતોના વકીલનું માનીએ તો જયસુખ પટેલે પોતે આ અંગે નગરપાલિકાને ઘણી વાર જાણ કરી હતી, તેમ છતા તેનો કોઈ ઉકેલ ન આવ્યો. જયસુખ પટેલ હકીકત જાણતા હોવા છતા તેમણે અધૂરા સમારકામ બાદ ઝુલતા પુલનું ઉદ્ધાટન કરી નાંખ્યું હતું. જેની સજા બાળકો અને યુવાનો સહિત 135 લોકોએ પોતાની જિંદગી ગુમાવીને ચૂકવવી પડી.
હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો
જયસુખ પટેલના જામીન અંગે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. પીડિતોના વકીલે દલીલ કરતાં કહ્યું કે જયસુખ પટેલે અનેક પત્ર નગરપાલિકાને લખ્યા હતા અને બ્રીજની સ્થિતિ અંગે જયસુખ પટેલ અવગત હતા. બ્રિજ પર ભાર વધવાથી કોઇ અકસ્માત થઇ શકે તે જયસુખ પટેલ સારી રીતે જાણતા હતા. તેમની બેદરકારીથી 135 લોકોએ જીવ ગુમાવ્યો છે. જામીન આપવાના અમુક કારણો હોય.
જયસુખ પટેલને જામીન આપવાની સરકારની રજૂઆત પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હાઈકોર્ટે ચુકાદનો અનામત રાખ્યો છે. તો પીડિતોના વકીલે હત્યાર જયસુખને જામીન ન આપવા માટે હાઈકોર્ટને આજીજી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે