ગુજરાતના ગરીબોને કોણ રાખી રહ્યું છે ભૂખ્યાં? જાણો કોણ મારે છે કોળિયા પર કટકી

ગરીબો ભૂખ્યા ન રહે તે માટે સરકાર અનાજ આપે છે. આ જ અનાજથી અનેક ગરીબો પોતાનું પેટ ભરે છે. પરંતુ કેટલાક એવા પણ કૌભાંડીઓ છે જે ગરીબોના અનાજમાં પણ કટકી કરી જાય છે. સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને ગરીબોનો કોળિયો છીનવવાનું કામ કરે છે. ત્યારે ગુજરાતમાં ક્યાંથી ઝડપાયું અનાજનું કૌભાંડ?, કોણ છે કટકીબાજો? જાણો વિગતવાર આ અહેવાલમાં...

ગુજરાતના ગરીબોને કોણ રાખી રહ્યું છે ભૂખ્યાં? જાણો કોણ મારે છે કોળિયા પર કટકી
  • કોણ ખાઈ ગયું ગરીબોનો કોળિયો?
  • કોણ ગરીબોને રાખી રહ્યું છે ભૂખ્યા?
  • કયા છે એ કટકીબાજ કૌભાંડીઓ?
  • ગુજરાતમાં ક્યાંથી ઝડપાયું કૌભાંડ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડીઓએ માજા મુકી છે. રોડ-રસ્તામાં ભ્રષ્ટાચાર, બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર, વિકાસના અનેક કામોમાં ભ્રષ્ટાચાર. બધે જ ભ્રષ્ટાચાર જ છે. તો કૌભાંડીઓએ પણ કાળો કેર વર્તાવ્યો છે. કૌભાંડીઓ ધનિકોને તો ઠીક પરંતુ હવે ગરીબ પ્રજાને પણ નથી છોડતાં. ગરીબોનો જે હક છે, જેનાથી ગરીબોનું પેટ ભરાય છે તે પણ આ કૌભાંડીઓ ખાઈ જાય છે. કટકીબાજ કૌભાંડીઓ ગરીબોને ભૂખ્યા રાખવાનું કામ કરી રહ્યા છે. આવા જ બે મોટા કૌભાંડ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઝડપાયા છે. એક છે મહેસાણાના કડીમાંથી. જ્યારે બીજું જૂનાગઢના કેશોદ નજીકથી ઝડપાયું છે.

પહેલા વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના નાની કડીમાંથી સરકારી ચોખાનો મોટો જથ્થો જપ્ત કરાયો. જે સરકારી ચોખાથી ગરીબનો ચુલો સળગતો હતો. ખીચડી બનાવીને ગરીબો પોતાનું પેટ ભરે તે જ ચોખામાંથી કૌભાંડીઓ કણકી બનાવી બારોબાર વેચતાં હતા. સરકારી ચોખાની કણકી બનાવીને પોર્ટુગલ દેશમાં વેચવામાં આવતી હતી. જ્યારે આ કૌભાંડની ગંધ જિલ્લા પુરવઠા અધિકારીને આવી તો તેમણે તરત જ દરોડા પાડી 48.69 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામની આ ફેક્ટરીના માલિક રાજુ મદનલાલ કેલાની સામે કાર્યવાહી પણ કરી છે.

તો જૂનાગઢના કેશોદમાં પણ કૌભાંડીઓ ગરીબોનો કોળિયો છીનવી રહ્યા હતા. જિલ્લાના પીપળીધાર ગામમાં આવેલી એક દુકાનમાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. ચોખાના અનેક કટ્ટા અહીં સંગ્રહ કરાયેલો હતો. પુરવઠા વિભાગે ત્વરિત ત્યાં પહોંચીને કાર્યવાહી કરતાં 5 લાખ 3 હજારથી વધુ કિંમતના 249 ચોખાના કટ્ટા જપ્ત કરાયા હતા. સાથે જ દુકાન માલિક સલીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો માટે અનેક યોજનાઓ ચલાવે છે. ખાસ ગરીબોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ અનાજથી ગરીબોના મોઢામાં કોળિયો જાય છે પરંતુ સરકારી અનાજને સગેવગે કરનારા કૌભાડીઓ ગરીબોને પણ નથી છોડતાં. આવા કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ...આવા લોકો સામે કાયદામાં જેટલી કડક કાર્યવાહી હોય તેટલી કડક કાર્યવાહી થવી જ જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news