જ્યાં બાવળ પણ ઉગવાનું સાહસ ન કરે તેવી ખારી જગ્યામાં ગુજરાતના ખેડૂતે હરિયાળી લહેરાવી
Aatmanirbhar Farmer : ગુજરાતના છેવાડાના ગામડાના ખેડૂતો પણ હવે ખેતીમાં અનેક પ્રયોગો કરી રહ્યાં છે. વિસ્તારની પાણીની સમસ્યાનું જાતે જ સમાધાન શોધીને પાટણના ખેડૂતે જાતજાતના ફળોનું ઉત્પાદન કર્યું
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : સમી તાલુકો એટલે રણની ગાંધીએ આવેલો અને સૂકો ભટ વિસ્તાર જે વઢિયાર પંથક તરીકે ઓળખાય છે. આ પંથકે હંમેશા પીવાના પાણીની સમસ્યા જોઈ છે. પાણીની સમસ્યા સામે ઝઝુમતા વિસ્તારના લોકો માટે પાણી મેળવવુ એટલે અમૃત મેળવવા સમાન છે. જમીન પણ ક્ષારવાળી હોય ત્યારે શું ઉગાડવું તે ખેડૂતોનો મોટો પ્રશ્ન હોય છે. ત્યારે સમીના કાઠી ગામના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી ખારા પટના રણમાં પણ હરિયાળી ફેલાવી છે. સાથે સારી એવી ખેત પેદાશ મેળવી લાખોની કમાણી પર કરી રહ્યા છે. કાઠી ગામના ખેડૂત ગોવાભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો. જેના કારણે પાણીના સ્તર ઊંચા આવ્યા અને આજ તલાવડીમાંથી પોતાની 10 વીઘા જમીનમાં લીંબુ સહીત વિવિધ વૃક્ષનું ઉછેર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, જેમાં ગોવાભાઈએ લીંબુની જુદીજુદી જાતો સીતાફળ, જામફળ, પપૈયા,આંબા સહીતની ખેતી કરી છે. ખારા પટના વિસ્તારમાં જ્યાં ગાંડા બાવળ સિવાય કઈ જોવા પણ ના મળે તે વઢિયાર પંથકમાં હરિયાળી કરી છે. ને અન્ય ખેડૂતોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખારા પટની જમીન અને પાણીની વિકટ સમસ્યાને અન્ય પાક વાવેતરમાં ખેડૂતોને સારી ઉપજ રહેવા પામી નથી. જેને લઇ સમી તાલુકાના કાઠી ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવાભાઈ ચુડાસમાને કાઠું કાઢ્યું છે. તેઓ અગાઉ ઘઉં, કપાસ જુવાર, બાજરી સહિતના પાકના વાવેતર કરતા હતા. પણ આ વિસ્તારની ખારા પટની જમીન અને પાણીના અભાવને લઇ પાક ઉત્પાદન જોઈએ તેવું મળતું ન હતું અને આર્થિક બોજ પણ વધતો હતો. ત્યારે ગોવાભાઈ બાગાયતી ખેતી તરફ વળ્યાં અને પ્રથમ દેશી લીંબુના વાવેતર અંગે માહિતી મેળવી.
ત્યાર બાદ તેઓએ લીંબુના થોડા છોડ લાવી તેનું વાવેતર કર્યું અને તેની માવજત કરતા સારો ઉછેર થતા ઉત્પાદન પણ સારું રહ્યું અને આવક પણ સારી મળી. ત્યાર બાદ ગોવાભાઈએ દેશી લીંબુ, થાઈલેન્ડ લીંબુના 900 જેટલાં છોડ લાવી 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું. આજથી પાંચ વર્ષ પહેલા અને આ છોડની માવજત કરી સાથે ખેતરમાં ખેત તળાવડી બનાવી હતી. તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણીનો ઉપયોગ પાક વાવેતરમાં કરવા લાગ્યા. તેમજ કુદરતી ખાતરના ઉપયોગ થકી લીંબુનો પાક તૈયાર કર્યો અને આજે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ગત વર્ષે ગોવાભાઈએ એક લીંબુના છોડ પરથી 100 કિલોનું ઉત્પાદન થતા વર્ષ દરમ્યાન કુલ રૂપિયા 4 થી 5 લાખની ઉપજ મેળવી હતી અને ચાલુ વર્ષે પણ સારુ એવું ઉત્પાદન રહેવાની આશા રાખી રહ્યા છે.
સમી પંથકના ખારા પટની જમીનમાં બાગાયતી ખેતી કરી કાઠું કાઢ્યું છે અને આ પ્રકારના લીંબુના ઉત્પાદન થકી સારી ઉપજ મેળવી છે. ત્યારે આ પ્રકારના સારા ઉત્પાદનને લઇ અન્ય ખેડૂતો પણ આ ખેતી જોવા આવી રહ્યાં છે. લોકો લીંબુનું વાવેતર, તેનો ઉછેર, ઉત્પાદન અને માવજત અંગે ગોવાભાઈ પાસેથી માહિતી મેળવી રહ્યાં છે. તેમને તેમના ખેતરમાં આ પ્રકારના લીબુંના વાવેતર કરવા પ્રેરણા લીધી હતી.
આમ તો આ ખારા પટની જમીનમાં અને પાણીની ખેંચ સામે અન્ય પાક વાવેતરમાં લાંબી ઉપજ રહેતી નથી. ત્યારે આ ખારા પટની જમીનમાં લીંબુનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી આર્થિક ઉપજ મેળવી રહ્યા છે. ઉનાળાના ચાર મહિનાની મુખ્ય ઉપજ લીંબુની સારી રહેવા પામે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે