મઘા નક્ષત્રમાં મેઘરાજાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી પાણી

rainfall update: રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ.. 133 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ. પાલનપુર, વિસનગર થયું પાણી પાણી. અરવલ્લીના મેઘરજમાં પણ ભરાયા વરસાદી પાણી.

મઘા નક્ષત્રમાં મેઘરાજાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી પાણી

Gujarat rainfall update: રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. 

વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 8 ઈંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ છે. દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલને નુકસાન થયું છે. વિજાપુરના કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વિજાપુરમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. રોડ રસ્તા જળમગ્ન થઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

વિસનગરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વિસનગર ઉપરાંત વડનગર, ઊંઝામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ પડ્યા બાદ ભરાયા પાણી. બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અરવલ્લીના મેઘરજમાં માત્ર એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણામાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી. વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડતા મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા. વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું. જો કે વરસાદી પાણીનો નિકાલ કરવા તંત્રએ કોઈ કામગીરી ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. 

મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદથી મંદિર બહાર પાણી ભરાયા છે. ઢીંચણસમા પાણી ભરાઈ જતાં ભક્તો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ ખેડાના કપડવંજમાં એક કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના હાલ થયા બેહાલ. ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ભારે વરસાદ પડતા વાહનચાલકોને પરેશાની થઈ. આણંદના ઉમરેઠમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર ભરાયા પાણી. વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરત, વલસાડ, નવસારીમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. સુરતની વાત કરીએ તો બારડોલીના હરીપુરા ગામે તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપુર આવક થતા પાણી છોડાયું. પાણીની આવક વધતા હરીપુરાનો કોઝવે ત્રીજીવાર પાણીમાં ગરકાવ થયો. બીજી તરફ વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર ભરાયા પાણી. ધરમપુરના ST ડેપોમાં પાણી ભરાઈ જતા મુસાફરોને પરેશાની થઈ. નવસારીના ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પાણી ભરાયા.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઈટ, થલતેજ, ગોતા, પાંજરાપોળ, આંબાવાડી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા સમયથી અમદાવાદના લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે વરસાદ તો પડ્યો, જો કે તેની સાથે થોડી આફત પણ આવી. મુખ્ય રસ્તાઓ તેમજ કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો. રસ્તા વચ્ચે વાહનો બંધ પડી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news