આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, ગુજરાતના 1.79 કરોડ કાર્ડ ધારકોને હવે 5 લાખ નહીં, આટલા લાખનો મળશે લાભ

ગુજરાના 1.79 કરોડ આયુષ્માન કાર્ડ ધારકો પર ભૂપેન્દ્ર પટેલ સરકાર વરસી છે. આ યોજના હેઠળ મળતી સહાયના ધોરણો ડબલ કરી દેવાયા છે. સરકારો આરોગ્ય કવચની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરી દેતાં ગુજરાતીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. 

આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, ગુજરાતના 1.79 કરોડ કાર્ડ ધારકોને હવે 5 લાખ નહીં, આટલા લાખનો મળશે લાભ

ઝી બ્યુરો/ગાંધીનગર: સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. 10 લાખ થઇ છે. આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશ્નર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. 10 લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો. રૂ. 10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.  

અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે. બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ 2027  સરકારી અને 803 જેટલી ખાનગી તેમજ 18  કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ 2848 હોસ્પિટલ એમ્પેનલ છે. આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.

અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.2 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014 મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. 3 લાખ કરવામાં આવી. 

નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ 2018મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.5 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે  રૂ. 10 લાખની થઇ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news