જ્યારે યોગીજી મહારાજે ત્રણ ધબ્બા મારીને કહ્યું હતું કે સોખડામાં ત્રણ શિખરનું મંદિર બનશે

Updated By: Aug 1, 2021, 08:25 AM IST
જ્યારે યોગીજી મહારાજે ત્રણ ધબ્બા મારીને કહ્યું હતું કે સોખડામાં ત્રણ શિખરનું મંદિર બનશે
  • યોગીજી મહારાજે પોતાના સહાયક પ્રભુદાસને મંદિર નિર્માણના આશીર્વાદ આપ્યા, જે દિક્ષા લીધા પછી હરિપ્રસાદ સ્વામી તરીકે ઓળખાયા 

ઝી મીડિયા/બ્યૂરો :હરિધામ સોખડાના પ્રણેતા પ્રગટ હરિગુરુ પ.પૂ. હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) એ ગઈકાલે લીલા સંકેલી લીધી. દુનિયાભરના લાખો હરિભક્તોમાં ભક્તિકેન્દ્ર ગણાતા સોખડા મંદિરની નિર્માણ કથા પણ બહુ જ પ્રેરક છે. 

ગોપાળાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ સોખડા ખાતે શિખરબંધ મંદિરના નિર્માણનો સંકલ્પ લઈ ચૂક્યા હતા. પરંતુ સંજોગોવશાત ત્યાં મંદિર બની શક્યું ન હતું. સત્સંગી ગોપાળભાઈ કાશીનાથ પટેલે આપેલી જગ્યા પર તેમના પુત્ર ત્રિભોવનદાસની મહેનતથી શાસ્ત્રીજી મહારાજે ૧૯૩૧માં એક સુંદર હરિમંદિર સ્થાપ્યું હતું. એ પછી ૩૧ વર્ષ બાદ ઈ.સ. ૧૯૬૨માં શાસ્ત્રીજી મહારાજના શિષ્ય યોગીજી મહારાજ ગઢડા (સૌરાષ્ટ્ર) ખાતે ઘેલો નદીના કાંઠે વિહરી રહ્યા હતા, ત્યારે સોખડાના અંબાલાલ પટેલે ગઢડાના શિખરબદ્ધ મંદિર તરફ આંગળી ચિંધીને વસવસો વ્યક્ત કરતાં કહ્યું કે, ‘સ્વામીજી, અમારા સોખડામાં આવું શિખરબદ્ધ મંદિર ક્યારે બનશે?’ 

આ પણ વાંચો : શ્રીહરિચરણ થયા હરિપ્રસાદ સ્વામી, આ સમાચારથી ભક્તોના આંસુ નથી રોકાઈ રહ્યા

જવાબમાં યોગીજી મહારાજે પોતાના અંગત સહાયક અને પ્રીતિપાત્ર પ્રભુદાસભાઈને પાસે બોલાવીને તેમની પીઠ પર આશીર્વાદ સ્વરૂપે ત્રણ ધબ્બા માર્યા અને કહ્યું કે, ‘જાવ, સોખડામાં મંદિર બનશે. એટલું જ નહિ, ત્રણ શિખરવાળુ ભવ્ય મંદિર બનશે.’ આમ, મંદિર બનાવવાનો મનોરથ અંબાલાલભાઈનો હતો, પરંતુ યોગીજી મહારાજે પ્રભુદાસને ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા. એ જ પ્રભુદાસ બાદમાં દિક્ષિત થઈને હરિપ્રસાદ સ્વામી તરીકે ઓળખાયા. 

આ પણ વાંચો : પ્રદેશ મુજબ 5 દિવસ હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનની વ્યવસ્થા કરાઈ, 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર

આ ઘટનાના 13 વર્ષ બાદ ત્રિભુવનભાઈ પટેલના પરિવારે સોખડા ગામની મકર તલાવડી તરીકે ઓળખાતી જગ્યા મંદિરનિર્માણ માટે સ્વામીજીને અર્પણ કરી. 1978 માં અહીં ખાતમૂહુર્ત થયું અને ૧૯૮૧માં ત્રણ શિખરબદ્ધ ભવ્ય મંદિરનું નિર્માણ થયું, જે આજે લાખો હરિભક્તોનું આસ્થાકેન્દ્ર મનાય છે.