આગામી ત્રણ કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી જાહેર કરી છે. તે પ્રમાણે કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ અને મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાને કારણે ભરૂચ સહિત આસપાસના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાક માટે આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ અને રાજકોટમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશથી પાણી છોડાતા ગુજરાતમાં પૂરનિ સ્થિતિ
સરકારે જાહેરમાં કહ્યું છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રૂટ લેવલ કરતાં પણ વધુ પાણી છોડવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા ડેમમાં પાણીની ખૂબ જ આવક હતી જેના કારણે પાણી છોડવાની ફરજ પડી છે. બંધની ક્ષમતાના 110 ટકા જેટલું પાણી આવ્યું છે. આજે ગાંધીનગરમાં એક બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
પાંચ તાલુકામાં 6200થી વધુ નાગરીકોનું સ્થળાંતર
ભરૂચ જિલ્લાના પાંચ તાલુકામાં 6200થી વધુ નાગરીકોનું સુરક્ષિત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું .રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં વહીવટીતંત્રએ સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતીર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારો, અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા,જુના ટોઠીદરા,જુની વલસાડ, લીમોદરા, હાંસોટ, તાલુકો અને વાગરા તાલુકા મળી કુલ 6254 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
વ્યાસ બેટમાં ફસાયેલા 12 લોકોનું આર્મી જવાનોએ રેસ્ક્યુ કર્યું
વડોદરા જિલ્લાના કરજણના વ્યાસ બેટમાં ફસાયેલા 12 લોકોનું આર્મી જવાનોએ રેસ્ક્યુ કર્યું . આર્મીના જવાનોએ વ્યાસ બેટ પરથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડ્યા હતા.. જેમાં ચાર સ્ત્રી, 2 બાળકો અને 6 પુરુષોને બચાવાયા હતા. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મી દ્વારા બોટથી સફળતા પુર્વક રેસ્ક્યુ કરતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે