છોટાઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ, કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહત્વના રસ્તાઓ બંધ

સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5  ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

છોટાઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ, કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહત્વના રસ્તાઓ બંધ

જમીલ પઠાણ/છોટાઉદેપુર :સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5  ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 3 ઈંચ વરસાદથી છોટાઉદેપુર સિટી પાણી પાણી થઈ ગયું છે. છોટાઉદેપુર, કવાંટમાં ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કવાંટનો રામી ડેમ 0.75 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે સુખી ડેમની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

મહીસાગરમાં પાણીની આવકમાં સતત વધારો
કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલ કડાણા ડેમમાં પાણીની આવક 2,57,654 ક્યુસેક નોંધાઈ છે. જેને કારણે ડેમની સપાટી 413.3 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવકને કારણે ડેમના તમામ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના 9 ગેટ 10 ફૂટ અને સાત ગેટ 8 ફૂટ ખોલી 2,55,131 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો બીજી તરફ, કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી ગાંડીતૂર બની છે. 257000 ક્યુસેક પાણી છોડતા મહી નદી બે કાંઠે વહી રહી છે. જોકે, કડાણા ડેમમાંથી હજી પાણી છોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

મહીસાગર બંને કાંઠે વહેતી થતા જિલ્લાના મુખ્ય માર્ગોના ત્રણ પુલ પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદ લુણાવાડાને જોડતો હાડોડ પુલ, ઘોડિયાર અને તાંતરોલી પુલ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય માર્ગોના પુલો પાણીમાં ગરકાવ થતા જિલ્લાવાસીઓને હાંલાકી પડી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ પર રાખી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મહીસાગરમાં પાણીને પગલે ગળતેશ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. ગળતેશ્વર બ્રિજ વડોદરા અને મહીસાગર જિલ્લાને જોડે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ બ્રિજ બંધ કરાયો છે.   

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે હાલોલ નગરનું તળાવ ઓવરફ્લો થયું છે. હાલોલના પાવાગઢ રોડ, શાકમાર્કેટ, કંજરી ચોકડી વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ પર પાણી પાણી થતા વાહન વ્યવહારમાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે. જેને કારણે શાકભાજી માર્કેટના વેપારીઓ અને રહેણાંક વિસ્તારોના રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. સતત વરસાદ પડે તો હાલોલના મંદિર ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 24 ઓગસ્ટથી લઈને પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કે, 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news