ગુજરાતમાં મહત્વના બ્રેકિંગ : ભારે વરસાદને પગલે NDRFની 18 ટીમો તૈનાત, 16 ગામોમાં વીજળી ડુલ
સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને લઇને રાજ્યભરનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ રહી છે.
Trending Photos
અમદાવાદ :સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને લઇને રાજ્યભરનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ રહી છે. તો બીજી તરફ, ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમના દરવાજા પણ ખોલી દેતા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવાયા છે. હાલ રાજ્યના 198 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં ૧૩ ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં એન.ડી.આર.એફ.ની 18 અને એસ.ડી.આર.એફ.ની 11 ટીમો તૈનાત કરી દેવાઈ છે. રાજ્યભરના વિવિધ કોઝવેમાં પાણી ભરાતા 154 રસ્તાઓ બંધ કરાયા છે. પૂરના પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત કાર્યરત થશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આજે સવારથી રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ
- ડેડીયાપાડામાં 6 ઈંચ
- સરસ્વતીમાં 5 ઈંચ
- હારીજમાં 4 ઈંચ
- છોટાઉદેપુર, પાટણમાં 4 ઈંચ
- 80 તાલુકાઓમાં 1થી 4 ઈંચ
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે એનડીઆરએફની 18 ટીમો અને એસડીઆરએફની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 7 એન.ડી.આર.એફ.ની ટીમો, સૌરાષ્ટ્રમાં 5 ટીમો, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના ૩૯, છોટાઉદેપુરમાં ૩૧ રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ પર પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત થઇ જશે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે એ માટે પણ કામગીરી ચાલુ છે, જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં આજે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે ૧૩ ઇંચ, કવાંટમાં ર૮ર મી.મી. એટલે કે ૧૧ ઇંચ અને કુકરમુંડામાં ર૦૭ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૬.૪૧ ટકા જેટલો થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં ૭પ.૯૯ ટકા જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વરસાદ મામલે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ અતિ ભારે વરસાદ વરસી શકે છે. આજનો દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વનો છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો મધ્ય ગુજરાતના પૂર્વ તરફના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને માટે દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું પડશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે