સુરત: પરિવારના આક્ષેપોએ દીકરીના પતિનો ભાંડો ફોડ્યો, મિત્ર સાથે મળીને ઘડ્યો હતો આ પ્લાન

સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કાર અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પરિવારજનોના આક્ષેપો બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે પરિવારના આક્ષેપો સાચા નીકળ્યા હતા

Updated By: Jan 20, 2021, 08:37 PM IST
સુરત: પરિવારના આક્ષેપોએ દીકરીના પતિનો ભાંડો ફોડ્યો, મિત્ર સાથે મળીને ઘડ્યો હતો આ પ્લાન

ચેતન પટેલ/ સુરત: સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કાર અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પરિવારજનોના આક્ષેપો બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે પરિવારના આક્ષેપો સાચા નીકળ્યા હતા. મહિલાનું કાર અડફેટે નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ તેના એક મિત્ર સાથે મળીને કરી હતી. જેમાં પતિએ પહેલા પત્નીનું ગળું દબાવી બેભાન કરી હતી અને બાદમાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું.

સુરતના સારોલીગામ ખાતે આવેલા સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજકુમાર સોહનસિંઘ યાદવ તેની પત્ની શાલીની સાથે રહેતો હતો. ગત 8 જાન્યુઆરીના રોજ પતિ અનુજ તેની પત્નીને લઈ મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. દરમિયાન સર્વિસ રોડ પર અજાણ્યા ઇસમે તેની પત્નીને અડફેટે લઈ ફરાર થઈ ગો હતો અને તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જો કે, આ ઘટના અંગે અનુજે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ શાલીનીના માતા પિતાને શંકા હતી કે તેમની દીકરીનું અકસ્માતમાં નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો:- સુરતમાં વધુ એક નેતાએ જમણવાર યોજીને સોશિયલ ડિસ્ટન્સનો કર્યો તમાશો, Video

આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, સગા સબંધીઓની પૂછપરછ અને પતિ અનુજની કડક પૂછપરછ કરતા જે હકિકત સામે આવી તે જાણીને ખુદ પોલીસ પર ચોંકી ઉઠી હતી. પોલીસ સમક્ષ અનુજે જણાવ્યું હતું કે, તેણે અને તેના મિત્રએ મળીને તેની પત્નીની હત્યા કરી હતી. અનુજે પોલીસને જણાવ્યું હતું કે, આજથી દોઢ વર્ષ પહેલા તેની પત્ની સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો. તે બાબતે તેણીના માતા પિતાએ વાત કરતા તેણીના પિતા, કાકા અને ભાઈઓએ અનુજને માર માર્યો હતો. બાદમાં આરોપીના મામાએ વચ્ચે આવીને સમાધાન કરાવ્યું હતું.

આ પણ વાંચો:- ASI આત્મહત્યા કેસમાં ચકચારી આક્ષેપ, PSI ના ત્રાસથી પોલીસ કર્મીએ વખ ઘોળ્યું

આમ પોલીસે વધુ પૂછપરછ કરતા આખી હકિકત બહાર આવી હતી. આમ અનુજ સાથે પત્નીએ જો કે ત્યારબાદ પણ પત્ની સાથે ઝગડા કરતો હતો. પત્નીએ તેને જૂના ઝગડો યાદ કરાવી દીધો હતો. જેને લઇને અનુજ ટેન્શનમાં આવી ગયો હતો અને તેના સાગરિત પાલ આર.ટીઓ ખાતે ખુલ્લા ઝૂપડામાં રહેતા મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ સાથે મળીને અકસ્માત કરી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આરોપી અનુજ તેની પત્નીને લઇને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. બાદમાં પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાદમાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફેરવી હત્યાને અકસ્માતમાં ખપાવી હતી. જો કે, આખરે પોલીસ તપાસમાં આરોપીએ પોતાનો ગુનો કબુલી લેતા પોલીસે પતિ અને તેના સાગરિતની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:- કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતા ફરી ગઇ છતા દુષ્કર્મીને 10 વર્ષની સજા ફટકારી

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં પરિવાર દ્વારા હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આખરે તેના પતિનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પુણા પોલીસે હવે આરોપી પતિ સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે હજુ પણ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube