LRD મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સાંભળી થઇ જશો ખુશ
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે. પરંતુ ગુજરાત ના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.
વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ પ્રશ્ન માં કોઈને અન્યાય ન થાય અને બધાને ન્યાય મળે એ હેતુથી રાજ્ય સરકાર કાયદાકીય પરિપ્રેક્ષયમાં વિવિધ રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા 45 દિવસથી વાટાઘાટો કરીને સરકાર આ ભરતીમાં પણ 33 ટકા મહિલા અનામત બાબતે અવશ્ય કાયદાકીય ઉકેલ લાવવા યોગ્ય રસ્તો કાઢવા વિચારાધીન છે.
કોંગ્રેસની ઝાટકણી કાઢતા વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યુ કે, અગાઉ પણ કોંગ્રેસ માત્ર રાજકીય લાભ લેવા ના હવાતિયાં મારી ચૂકી છે, પરંતુ આંદોલન સાથે જોડાયેલા લોકો પણ કોંગ્રેસ ને ઓળખી ગયા છે. એટલે ભરમાવાના નથી અને કોંગ્રેસની મુરાદ ક્યારેય સફળ થવાની નથી. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ અગાઉ 17 હજારથી વધુ યુવાનોની પોલીસ દળમાં ભરતી પારદર્શી રીતે કરી છે. તેમની સરકાર સંપૂર્ણ સંવેદનાથી પ્રશ્નોના નિરાકરણ લાવે છે ત્યારે આ એલ આર ડી ભરતી વિષયે પણ સારો અને યોગ્ય ઉકેલ આવશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પોતાનું બળતું ઘર સાચવી શકતી નથી અને આવા આંદોલનોમાં રાજકીય લાભ ખાટવા મેદાને પડે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે