પ્રેમમાં નાસીપાસ થયા બાદ ફરી પ્રેમ નહીં! જિંદગી માણવાના ચક્કરમાં આરોપીએ ગુજરાતમાં 58 ચોરીને આપ્યો અંજામ

જીવનને માણી લેવાના વિચાર સાથે ચોરીના રવાડે ચઢેલા રીઢા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી દબોચી લીધો હતો. ચોરીમાં માહિર આરોપીએ જેલમાંથી જામીન પર છુટ્યા બાદ 7 ચોરીને અંજામ આપ્યો હતો. છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે.

પ્રેમમાં નાસીપાસ થયા બાદ ફરી પ્રેમ નહીં! જિંદગી માણવાના ચક્કરમાં આરોપીએ ગુજરાતમાં 58 ચોરીને આપ્યો અંજામ

ધવલ પરીખ/નવસારી: પ્રેમમાં નાસીપાસ થયા બાદ ફરી પ્રેમ નહીં, પણ જીવનને માણી લેવાના વિચાર સાથે ચોરીના રવાડે ચઢેલા રીઢા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી દબોચી લીધો હતો. ચોરીમાં માહિર આરોપીએ જેલમાંથી જામીન પર છુટ્યા બાદ 7 ચોરીને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે.

નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી 
નવસારીના વોર્ડ નં. 13 માં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જ્યોત્સના આહીર અને તેમના પતિ અમ્રત આહીર બંને નોકરી કરે છે. જેમના બંધ ઘરને ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી. 

30 વર્ષીય જીમી ઉર્ફે દીપક બીપીન શર્માને દબોચી લીધો
જેમાં નવસારી LCB ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરી અરોઈનું પગેરૂ શોધવા મથામણ આરંભી હતી. જેમાં ગત રોજ નવસારી LCB પોલીસને સફળતા મળી અને નેશનલ હાઈવે નં. 48 પર ગ્રીડ ઓવરબ્રિજ નજીકથી બાઇક ઉપર નવસારી આવી રહેલા 30 વર્ષીય જીમી ઉર્ફે દીપક બીપીન શર્માને દબોચી લીધો હતો. સાથે જ પોલીસે જીમી પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો
પોલીસ પકડમાં આવેલ ચોરીનો આરોપી જીમી શર્મા રીઢો ગુનેગાર બની ગયો છે. જીમી વર્ષ 2009 થી ચોરીઓ કરી રહ્યો છે. મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી જીમી ઉર્ફે દીપકના પિતા બીપીન શર્મા 6 મહિના અગાઉ નવસારીના વિજલપોર ખાતે રેડીમેડ કપડાની દુકાન ચલાવતા હતા, ત્યારે પણ નવસારી LCB પોલીસે જીમી શર્માને 7.12 લાખના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. 

પોલીસ પકડમાં આવ્યા બાદ જીમી જેલમાં હતો. પણ થોડા સમય અગાઉ જામીન પર છુટતા ફરી ચોરીઓ કરવા માંડ્યો હતો. જેમાં નવસારીની 2, ભરૂચની 3 અને તાપી જિલ્લાની 1 મળીને કુલ 6 ચોરીનો ભેદ ઉકલાયો છે. જયારે છેલ્લા 15 વર્ષોમાં જીમીએ મહારાષ્ટ્રમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે

જીમી એકલે હાથે ચોરી કરવામાં માહિર
આરોપી જીમી એકલે હાથે ચોરી કરવામાં માહિર છે. બાઇક ઉપર સોસાયટી અને મોહલ્લાઓમાં રેકી કર્યા બાદ બપોરના સમયે ચોરી કરવા પહોંચી જતો હતો. સાથે રાખેલા સ્ક્રૂ ડ્રાઈવરથી દરવાજો એકી ઝાટકે તોડીને ઘરમાં પ્રવેશ કરીને ગણતરીની મીનીટોમાં જ ચોરી કરી, ફરાર થઇ જતો હતો. ચોરીના રવાડે ચઢેલા જીમી શર્માને પ્રેમ થયો હતો. પણ પ્રેમિકાએ દગો આપતા, જીમી ડ્રગ્સ લેતો થયો હતો. 

ચોરી કરવા પણ નશો કરીને જ જતો અને ચોરીના રૂપિયાથી મુંબઈ, ગોવા જેવા શહેરોમાં જઈ ઐયાશીમાં ઉડાવતો હતો અને રૂપિયા પુરા થતા ફરી ચોરી કરવા નીકળી પડતો હતો. ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ કડકમાં કડક સજા થાય એવા પ્રયાસો પણ હાથ ધર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news