ગુજરાતના આ રેલવે સ્ટેશનની એવી કાયાપલટ થશે કે પછી ઓળખી નહિ શકો એરપોર્ટ છે કે સ્ટેશન
Renovation Of Bhuj Railway Station : ભુજના રેલવે સ્ટેશન પર પુનર્વિકસિત થયા બાદ ન્યૂ ભુજ રેલવે સ્ટેશન કેવું દેખાશે તે અંગેનો એક વિચાર અને અનુભવ આપવા માટે ભુજ સ્ટેશન પર યાત્રીઓ માટે ભાવિ સ્ટેશનનું એક નાનકડું મોડલ રાખવામાં આવ્યું છે
Trending Photos
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : પશ્ચિમ રેલવેના ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને આઇકોનિક લેન્ડમાર્ક રૂપે વિકસિત કરવામાં આવશે. ભુજ રેલવે સ્ટેશન ભવનનું મોડલ કચ્છના રણની થીમ પર આધારિત હશે. તેમજ આ અત્યાધુનિક સ્ટેશન યાત્રીઓને એક સમૃદ્ધ યાત્રાનો અનુભવ કરાવશે. 179.87 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે અને 24 મહિનામાં આ કાર્ય પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
179.87 કરોડના ખર્ચે આકાર પામશે ભુજનું ન્યૂ રેલવે સ્ટેશન
પશ્ચિમ રેલવેના જનસંપર્ક કાર્યલયથી મળતી માહિતી મુજબ ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને ભારતીય રેલ દ્વારા કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. જે યાત્રીઓને એક સમૃદ્ધ યાત્રાનો અનુભવ કરાવશે.
જિલ્લાના પાટનગર ભુજના નવા રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે હાલમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ન્યૂ રેલવે સ્ટેશનને 24 મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. ભુજનું ન્યૂ રેલવે સ્ટેશન 179.87 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે એન્જિનિયરિંગ ખરીદ અને નિર્માણ (ઇપીસી) પ્રદાન કરવામાં આવ્યું છે અને સાઇટ સર્વે, જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન અને યુટિલિટી મેપિંગનું કામ પૂર્ણ થઇ ગયું છે. બૈચિંગ પ્લાન્ટ લગાવવાનું અને ફેબ્રિકેશન યાર્ડનું કામ આગળ વધી રહ્યું છે. વેઇટિંગ રૂમ વગેરેને બદલવા માટે કામચલાઉ માળખાનું નિર્માણ ટુંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે. તે પછી મુખ્ય ભવનને પાડવાની કામગીરી કરાશે.
હાલમાં ભુજના રેલવે સ્ટેશન પર પુનર્વિકસિત થયા બાદ ન્યૂ ભુજ રેલવે સ્ટેશન કેવું દેખાશે તે અંગેનો એક વિચાર અને અનુભવ આપવા માટે ભુજ સ્ટેશન પર યાત્રીઓ માટે ભાવિ સ્ટેશનનું એક નાનકડું મોડલ રાખવામાં આવ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસ્થાન, યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડમુક્ત અને સરળ પ્રવેશ/નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. પ્લેટફોર્મો પર ભીડથી બચવા માટે યાત્રીઓ માટે સુખ-સુવિધાથી ભરપૂર પૂરતા કોનકોર્સ/વેઇટિંગ રૂમ પણ હશે. CCTV, EV ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સુસજ્જિત સ્માર્ટ સ્ટેશન હશે.
ન્યૂ ભુજ રેલવે સ્ટેશન પણ સુવિધાઓ અંગે વાત કરવામાં આવે તો સ્ટેશનનું મેઈન બિલ્ડીંગ 970 ચો.મી. જેટલું હશે. જેમાં સર્ક્યુલેશન, કોનકોર્સ અને વેઇટિંગ સ્પેસ માટે પૂરતી જગ્યા હશે. કોનકોર્સ એરિયા 3240 ચો.મી.માં વિસ્તરેલો હશે. આખા સ્ટેશન પરિસરમાં વાઇફાઇ કવરેજ મળશે. રેલવે સ્ટેશન દિવ્યાંગજનો માટે પણ આરામદાયક સુવિધાઓ ધરાવતું હશે. ન્યૂ રેલવે સ્ટેશનમાં 13 લિફ્ટ અને 10 એસ્કેલેટર સામેલ છે જે 100% દિવ્યાંગોને અનુકૂળ બનાવશે.
ન્યૂ ભુજ રેલવે સ્ટેશન ઊર્જા, પાણી અને અન્ય સંસાધનો વગેરેના ઉપયોગ માટે સુવિધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન ભવન હશે. વધારે સારા સ્ટેશન પ્રબંધન માટે નવું સ્ટેશન ભવન ખૂબ સમજી-વિચારીને ડિઝાઇન કરવામાં આવેલી વિશેષતાથી સભર અત્યાધુનિક સુરક્ષા તેમ જ સંરક્ષા વ્યવસ્થાઓથી ભરપૂર હશે. લગભગ 300 ટુ-વ્હીલર્સ, 50થી વધારે ફોર-વ્હીલર્સ અને ઓટો રિક્ષાને સમાવવા માટે પાર્કિંગ સુવિધાને અપગ્રેડ કરવામાં આવશે.
કચ્છ પ્રવાસીઓનું હબ છે અને ખાસ કરીને જિલ્લાનું પાટનગર ભુજ પર્યટન સ્થળોમાંનું એક છે. જ્યાં કચ્છના પ્રખ્યાત રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ દુનિયાભરના પ્રવાસીઓને સફેદ રણને માણવા માટે આકર્ષિત કરે છે. ભુજનું ન્યૂ અત્યાધુનિક સ્ટેશન ભુજનું એક વધારાનું આકર્ષણ બની રહેશે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજનું રેલવે સ્ટેશન એક ખૂબ જ ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. કચ્છના લોકોની તથા અનેક સંસ્થાઓની અને વારંવાર યાત્રીઓની નવીનીકરણ માટેની જે રજૂઆતો હતી તેના ભાગરૂપે આજે રેલ વિભાગ દ્વારા એક અધતન આધુનિક ટેકનોલોજી સાથે દરેક સુરક્ષાઓથી સજજ, અનેક વ્યવસ્થાઓ જેમ કે દિવ્યાંગો માટે, પાર્કિંગની અલગ અલગ વ્યવસ્થા, પ્રવાસીઓ માટે અન્ય સુવિધાઓ અને મુખ્ય રૂપે જ્યારે એક કચ્છી થીમ એટલે કે એક કચ્છના રણની થીમ સાથેનું આ રેલ્વે સ્ટેશન 180 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે.આ રેલ્વે સ્ટેશન 24 મહિનાની અંદર પૂર્ણ કરવાની એની સમય મર્યાદા છે. હાલમાં પૂરજોશની અંદર કામ અત્યારે કાર્યરત છે અને આગામી સમયમાં કચ્છને એક તો ખૂબ જ મોટી એક રેલવે સ્ટેશનની ભેટ મળશે એટલું જ નહીં પણ જે ટ્રેનો કે જે ગાંધીધામ પૂરતી મર્યાદિત રહે છે અને આ રેલવે સ્ટેશન ભુજનું મોટું બનવાના કારણે જે વ્યવસ્થા વધશે અને ગાંધીધામ સુધી જે ટ્રેનો આવે છે એ બધી ટ્રેનો હવે ભુજ સુધી આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે