Pradhan Mantri Awas Yojana: ગુજરાતના લાખો પરિવારોનું સપનું થશે પુરું! PM મોદી આપશે “પોતાના સપનાનું ઘર”

Pradhan Mantri Awas Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર તારીખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Pradhan Mantri Awas Yojana: ગુજરાતના લાખો પરિવારોનું સપનું થશે પુરું! PM મોદી આપશે “પોતાના સપનાનું ઘર”

Pradhan Mantri Awas Yojana: ઝી બ્યુરો/ગાંધીનગર: પીએમ મોદી આવતીકાલે (શનિવાર) 10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે. ડીસા ખાતેના આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ અને ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલી સંવાદ કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશના પદાધિકારીઓ,જીલ્લા-તાલુકાના હોદ્દેદારો,પોતપોતાના વિસ્તારમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં 9 વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવાય ત્યાં સુધીમાં અમૃતકાળમાં વિકસિત ભારત@2047નો સંકલ્પ આપ્યો છે. દેશના તમામ લોકોને પાકું આવાસ પૂરા પાડવાનો પણ ધ્યેય તેમણે રાખ્યો છે.વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. આ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના દિશાદર્શનમાં વિકસિત ગુજરાત@2047નો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ લોકોને પોતાના સપનાનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news