આ મહિલાના હાથમાં સાવરણી-ઝાડુના બદલે છે ડ્રોનનું કંટ્રોલર, 'ડ્રોન દીદી' બનીને લગાવી ઉંચી છલાંગ

પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

આ મહિલાના હાથમાં સાવરણી-ઝાડુના બદલે છે ડ્રોનનું કંટ્રોલર, 'ડ્રોન દીદી' બનીને લગાવી ઉંચી છલાંગ

Drone didi Yojana 2024: અલકેશ રાવ/બનાસકાંઠા: પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે ,પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે.. આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી.જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે.

જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી. તેજલબેન ઠાકોર સમાજ માંથી આવે છે. અને આ જીલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે. 

ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનૉલોજિની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરી રહી છે.

ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માની રહી છે. તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહી છે. તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબધ્ધ બનશે.

બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે જોકે રૂઢિચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેજલના સસરિયાઓએ પોતાની પુત્રવધુને કોઈપણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે. તેજલ સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતા અનેક લોકો આ ડ્રોન પાયલટ બનેલી ડ્રોન દીદીને જોવા આવી રહ્યા છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ તેના ઉપર ગર્વ મહેસુસ કરીને અન્ય મહિલાઓને આગળ આવવા માટે આ મહિલા પ્રેરણાસ્ત્રોત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે. ત્યારે સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે. આ રૂઢિચુસ્ત પરિવારની મહિલાથી શીખ લઈને અન્ય મહિલાઓએ પણ પોતાની આવડતને બહાર લાવવી જરૂરી છે. જેથી સાચા અર્થમાં દેશમાં સ્ત્રીસશક્તિકરણ સાર્થક થયું કહેવાય...!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news