Gujarat Election: લીલીપેન! ભાજપમાં હાંડલા કુસ્તી થશે, ચાવડા અને મોઢવાડીયા જીત્યા તો બગાડશે ખેલ
Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદો વચ્ચે ભાજપે 5 પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારો ઉતાર્યા છે. હવે સૌથી મોટી લડાઈ ભાજપમાં કોંગ્રેસીઓ વચ્ચે થવાની છે. 60 હજાર કાર્યકરો અને 300 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આગામી સમય જ દેખાડશે કે લીલીપેનથી સહી કરવાનું સપનું કોનું રોળાય છે. સૌથી મોટા દાવેદાર તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ છે.
Trending Photos
Gujarat loksabha election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વનવે જીતવા માટે ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું છે. કોંગ્રેસના કદાવર નેતાઓને ખેરવીને ભાજપે કોંગ્રેસને નબળી તો પાડી દીધી છે પણ હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં લડાવાની છે. આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે. લોકસભાની ચૂંટણી પહેલાં જે ઉભરા ઠલવાઈ રહ્યાં છે એ માટે જવાબદાર પણ ભાજપ જ છે. એક સમયે ગાભા મારું જેવા શબ્દોથી નવાજાતા ભાજપના સંનિષ્ઠ કાર્યકરો હવે મજૂરિયા તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાઈ રહ્યાં છે. ભાજપ હવે રીતસરની કોંગ્રેસ યુક્ત બની ગઈ છે.
આ પહેલાં પણ મંત્રી પદ ઈન વેઈટિંગમાં
રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. હવે ભાજપે અર્જુંન મોઢવાડિયા અને સી. જે ચાવડાને પણ મંત્રીપદની લાલચમાં જ ભાજપમાં જોડ્યા છે. આ પહેલાં પણ મંત્રી પદ ઈન વેઈટિંગમાં બેઠા છે એવા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના લીલીપેનથી સહી કરવાના સપનાં તૂટી રહ્યાં છે. પેટા ચૂંટણીમાં મોઢવાડિયા અને ચાવડા જીતી ગયા તો સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌથી વધુ ડખા ભાજપમાં એમાં પણ આયાતી નેતાઓમાં થવાના છે.
ભાજપ સરકારમાં ઓલરેડી 4 મંત્રી કોંગ્રેસી મૂળના
હવે ભાજપ એ સતત કોંગ્રેસ યુક્ત બનતું જાય છે. હવે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે. આ પહેલાં હાર્દિક અને અલ્પેશ ઠાકોર પણ લીલીપેનથી સહી કરવાની લાલચમાં ભાજપમાં જોડાયા હતા. અલ્પેશે તો એકવાર ઠાકોર સમાજના મુખ્યમંત્રીનો પણ જાહેરમાં બફાટ કરતાં ભાજપે ટિકિટ કાપીને બદલો લીધો હતો. આખરે માંડ ટિકિટ મળી હતી ત્યાં હવે માંડ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થાય તો અલ્પેશ કે હાર્દિકને મંત્રીપદ મળે પણ હવે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. ભાજપે આ બંનેને મંત્રીપદની ઓફર સાથે પક્ષપલટો કરાવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ભાજપ સરકારમાં ઓલરેડી 4 મંત્રી કોંગ્રેસી મૂળના છે. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોળાય તેમાં નવાઈ નહીં.
કોંગ્રેસે બદલો લીધો
ભાજપના ઓપરેશનને પગલે પોરબંદરના સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને આવતા દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓ હાંસીયામાં ધકેલાઈ જશે તે વાત નક્કી છે. અગાઉ રાજ્યસભાની ટિકિટ આપવાની સાથે ભાજપ પ્રવેશ મોઢવાડિયાને આપવાની વાત હતી પરંતુ હાઈ કમાન્ડની મંજૂર નહીં હોવાથી આખરે મામલો પડતો મુકાયો પરંતુ મોઢવાડિયાને કેબિનેટ કક્ષાના મંત્રી પદની ઓફર આપતાં મોઢવાડિયા ઢીલા પડ્યા હતા અને કેસરિયો ખેસ ધારણ કરી દીધો હતો.
સવારે રાહુલ ગાંધીની રેલી માટે આયોજન કરી રહેલાં મોઢવાડિયા સાંજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ જેવી ભાજપમાંથી લીલીઝંડી મળી મોઢવાડિયાએ એક પળની પણ રાહ જોઈ ન હતી. કોંગ્રેસે સામે એમના ભાઈને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે કોંગ્રેસ મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી છે અને કેબિનેટમાં સામેલ કરશે એવી ચર્ચા છે.
રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે
ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે તે વાત નક્કી છે અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રીપદની લ્હાણી થશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને ભાજપની અંદર પહેલાંથી ઠરીઠામ થયેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે જેવો માહોલ વર્તાઈ રહ્યો છે.
હવે સરકારમાં કોણ ગોઠવાય?
રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. જે પહેલાંથી મંત્રીમંડળમાં સામેલ થવા વેઈટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે ? તે સૌથી મોટો સવાલ છે. જો કે, તેમાંય જેઓ કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હવે સરકારમાં કોણ ગોઠવાય છે એ માટે કોંગ્રેસીઓમાં જ લાંબિગ શરૂ થયું છે. હવે કોંગ્રેસીઓ જ પદ માટે અંદરો અંદર ટાંટિયાખેંચ કરે તો નવાઈ નહીં...ભાજપમાં તો હાલમાં કકળાટ ચાલી રહ્યો છે. મૂળ જનસંઘીઓને લાગી રહ્યું છે કે હાઈકમાન એમને મજૂરોની જેમ ટ્રીટ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે