કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજ આગળ આવ્યો, લગ્ન-મરણના આ રિવાજો પર આજથી મૂક્યો પ્રતિબંધ

Thakor Samaj : બનાસકાંઠાનાં ઢુવા ગામે ઠાકોર સમાજે કુરિવાજો દૂર કરવા સમાજમાં નવા નિયમો બનાવ્યા... આ નિયમોને ન માનનારાને દંડની જોગવાઈ કરી છે. સાથે જ તેમના પ્રસંગોનો બહિષ્કાર કરવામાં આવશે 

કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજ આગળ આવ્યો, લગ્ન-મરણના આ રિવાજો પર આજથી મૂક્યો પ્રતિબંધ

Thakor Samaj : એક સમય એવો હતો જ્યાં સુખી સંપન્ન ગુજરાતીઓ લગ્નમાં રૂપિયાનો ધુમાડો કરતા હતા. લાખોનો ખર્ચો કરે, જેથી સમાજમાં મોટું નામ થાય. પરંતું હવે ધીરે ધીરે ગુજરાતના અનેક સમાજો ક્રાંતિના પંથે વળ્યા છે. લગ્નથી લઈને અનેક કાર્યક્રમોમાં રૂપિયાના ખોટા ધુમાડા થતા અટકાવવા અને દેખાદેખીમાં પ્રસંગો કરવા પર લગામ મૂકવામાં આવી રહી છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ પણ આગળ આવ્યો છે. ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, સગાઈ પ્રસંગ, જન્મ દિવસ સહિતના શુભ કે અશુભ પ્રસંગોમાં થતાં કુરિવાજો દૂર કરવા માટે નિયમો બનાવાયા છે. અને આ નિયમોનું પાલન ન કરનારાનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે, તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજરી નહિ આપે તેવો નિર્ણય કરાયો છે. સાથે જ તેમને 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટાકારાશે. 

બનાસકાંઠાનાં ઢુવા ગામે ઠાકોર સમાજની એક મીટીગ મળી હતી. જેમાં સમાજમાં રહેલ કુરિવાજો પર પ્રતિબંધ અને આર્થિક રીતે પગભર કરવાની વાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ સમાજ દ્વારા એક બંધારણ બનાવ્યું હતું. તેમજ આ બંધારણનું ફરજીયાત સૌ કોઈએ પાલન કરવું અને ન કરે તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ઢુવા ગામમાં ઠાકોર સમાજ દ્વારા ખોટા ખર્ચ અટકાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાની પહેલ કરાઈ છે. સમાજના આગેવાનો દ્વારા યોજાયેલી બેઠકમાં એક બંધારણ બનાવવામાં આવ્યુ છે. જે મુજબ, લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત, જન્મ દિવસ જેવા પ્રસંગો પર કરવામાં આવતા સામાજિક વ્યવહાર અને ખર્ચ પર કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે. 

શું શુ નિર્ણયો લેવાયા 

  • સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી
  • મરણ પ્રસંગરમાં કફન પ્રથા બંધ રાખવી
  • ઓઢામણા રોકડ પૈસામાં કરવા
  • સગાઈ પ્રસંગમાં મર્યાદામાં 25 માણસો લઈ જવા
  • સગાઈ પ્રસંગમાં વર-કન્યાના હાથમાં 2100 રૂપિયા જ આપવા
  • કંકોત્રીમાં ઘરનાં જ વ્યક્તિના નામ લખવા
  • એક દિવસે બોલામણાની પ્રથા બંધ રાખવી
  • વરઘોડાની પ્રથા બંધ રાખવી
  • ઢુંઢ પ્રથા મર્યાદામાં કરવી
  • દીકરાને ફેટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવી
  • સામ સામે લગ્ન મુકવા કે બોલાવવાની પ્રથા બંધ કરવી 

સાથે જ આ નિર્ણયોને ન માનનારાઓને દંડ ફટકારવામાં આવશે. 51 હજારનો દંડ નક્કી કરવામા આવ્યો છે. સાથે જ આ નિયમોને ન માનનારાઓના ઘરના પ્રસંગોમાં હાજરી ન આપવાનું પણ નક્કી કરાયું છે. 

બંધારણ ઘડવાનું કારણ
સમાજ દ્વારા આ નિર્ણયો લેવાનું કારણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ ઘટાડવાનું છે. લોકો દેખાદેખીમાં દેવુ કરીને પણ પ્રસંગો યોજે છે. આવામાં સમાજના લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે. સમાજના લોકોને દેવાદાર થતા અટકાવવા માટે અને ખોટા ખર્ચાઓ ઘટાડવા માટે આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. સાથે ખર્ચા ઘટશે તો સમાજ સદ્ધર થશે તે હેતુથી આ બંધારણ ઘડાયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news