મોરબીના વકીલોનો નિર્ણય, ઓરેવાના 9 આરોપીઓમાંથી કોઈનો કેસ નહિ લડે
Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટનામાં આરોપીઓની તરફેણમાં કોઈ વકીલ કેસ નહી લડે તેવો મોરબીના બાર એસોસિયેશન દ્વારા નિર્ણય કરાયો
Trending Photos
મોરબી :મોરબી હોનારતના 9 આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે. તો ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ હજી પણ ગાયબ છે. બીજી તરફ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે જ્યાં આ હોનારત થઈ તે મોરબીના વકીલોએ એક નિર્ણય લીધો કે, 9 આરોપીઓમાંથી એક પણ આરોપીનો કેસ નહિ લડે. ત્યારે સુરેન્દ્રનગરના મહિલા વકીલ આરોપીઓના કેસ લડશે.
મોરબી દુર્ઘટનામાં આરોપીઓની તરફેણમાં કોઈ વકીલ કેસ નહી લડે તેવો મોરબીના બાર એસોસિયેશન દ્વારા નિર્ણય કરાયો છે. આ ઘટનામાં જવાબદાર 9 લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી કોર્ટના વકીલોએ આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.
મોરબી હોનારતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે 9 પૈકી ચાર આરોપીઓ ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના 5 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે અન્ય પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે..પોલીસે જજ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. FSL રિપોર્ટમાં જે પ્રમાણેના ખુલાસા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે. પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેક્નિકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસે નિવેદન આપ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા. તેમાં કોઈને પમ લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા. FSL રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો. કેબલનું કામ બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત.
હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં અરજી
અમદાવાદ-મોરબીમાં પુલ તૂટી પાડવાનો મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે માંગ કરી કે, આ સમગ્ર મામલે હાઇકોર્ટ હસ્તક્ષેપ કરે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પીડિતોને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી છે. આગામી સમયે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે