પિતા-પુત્રી આત્મહત્યામાં સ્યૂસાઈડ નોટે ખોલ્યું મોટું રહસ્ય, પિતાએ મંદિરની પાછળ છુપાવી હતી ચિઠ્ઠી

Crime News Gujarat : ગોધરામાં એક પિતાએ પુત્રી સાથે આપઘાત કર્યો હતો, જેમાં હવે ખંડણી માંગી હોવાનો ખુલાસો થયો છે... ભત્રીજાને ફોન કરીને ચિઠ્ઠી ક્યાં છુપાવી છે તે જણાવ્યું હતું

પિતા-પુત્રી આત્મહત્યામાં સ્યૂસાઈડ નોટે ખોલ્યું મોટું રહસ્ય, પિતાએ મંદિરની પાછળ છુપાવી હતી ચિઠ્ઠી

Panchmahal News જયેન્દ્ર ભોઈ/પંમચહાલ : કળયુગમાં પૈસો જ પરમેશ્વર છે.એવી કહેવત તો આપણે સૌ એ સાંભળી જ હશે! વર્ષો પહેલા જમીન સંપાદનમાં 9 કરોડ રૂપિયા આવ્યા હોવાની ખંડણીખોર લોકને ખબર પડી બસ, ત્યારબાદ જે ખેલ રચાયો તે જોઈ તમારું હૈયું કપકપી જશે. આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. જ્યાં ખંડણીખોરોના ત્રાસથી પોતાની દીકરી સાથે પિતાએ મોત વ્હાલું કર્યું. સામાન્ય આત્મહત્યા લાગતી આ ઘટનામાં સ્યૂસાઇડ નોટ મળ્યા બાદ જે ખૌફનાક સત્ય ઉજાગર થયું તે જોઈ તમે પણ હચમચી જશો. 

ગત તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ ગોધરાના ભામૈયા ગામના તળાવમાં પિતા અને પુત્રીના ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતાં. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પિતા અને પુત્રીના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યા. પોલીસે ચોપડે અકસ્માત મોતની નોંધ કરી તમામ ઔપચારિકતા પૂર્ણ કરી હતી. 

બળવંતસિંહ કારણ વગર આપઘાત કરે તે વાત ગળે ઉતરતી ન હતી 
ગોધરા તાલુકાના ભામૈયા ગામે રહેતા બળવંતસિંહ ઠાકોર સવારે વહેલા ગામના તળાવ નજીક આવેલ મહાદેવ મંદિરે નિત્ય પૂજા પાઠ કરી ગોધરા પોતાની નાસ્તાની લારી પર જતાં. બળવંતસિંહનો આ નિત્ય ક્રમ હતો. બળવંતસિંહને પરિવારમાં પત્ની તેમજ એક પુત્ર અને પુત્રી મળી કુલ ચાર સભ્યનું સુખી પરિવાર હતું. જેના ગુજરાન માટે તેઓ નાસ્તાની લારી ચલાવતા. ખૂબ સાદાઈ અને ભક્તિભાવ સાથે જીવન નિર્વાહ કરી રહેલ બળવંતસિંહએ કોઈ પણ કારણ વિના પુત્રી સાથે આત્મહત્યા કરી લેવાની વાત કોઈ ના ગળે ઉતરતી નહોતી.

બળવંતસિંહે ભત્રીજાને મોત પહેલા હિસાબ જોવા કહ્યું હતું
અંતિમવિધિ પતાવી સ્મશાનેથી પરત ફરેલા પરિવારના સભ્યો જ્યારે શોકમગ્ન વાતાવરણમાં બેઠા હતા, ત્યારે બળવંતસિંહના ભત્રીજા અભીજીતે પોતાના ભાઈઓ સાથે વાત કરી કે આત્મહત્યા કર્યાની થોડી જ મિનિટો પહેલા બળવંતસિંહે તેની સાથે ફોન કરી વાત કરી હતી કે ‘મહાદેવના મંદિરે પાછળના ભાગે મેં હિસાબ કિતાબ ત્રણ ચિઠ્ઠીમાં લખેલો છે. તે તું અને સુનિલ જોઈ લેજો.’ સ્વજનોને આ વાત કરતા બધા કૌટુંબિક ભાઈઓ મહાદેવના મંદિરે પહોંચ્યા અને બળવંતસિંહે કહેલી ચિઠ્ઠીઓ શોધવા લાગ્યા. ચિઠ્ઠીઓ તો મળી પણ તેમાં જે હિસાબ કિતાબ લખેલો હતો તે જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. ચીઠ્ઠીઓમાં કે લખાણ હતું તે જોઈ પરિવાર અચંબિત થઈ ગયું. મંદિરમાંથી મળેલી ત્રણ ચિઠ્ઠીઓ હિસાબની નહિ, પરંતુ સ્યુસાઈડ નોટ્સ હતી. આ ચીઠ્ઠીઓમાં બળવંતસિંહ અને તેમની લાડલી દીકરી પ્રજ્ઞાના મોતનું રહસ્ય છુપાયેલું હતું. ચીઠ્ઠીમાં લખેલા લખાણ પર થી સ્પષ્ટ થયું હતું કે બે ખંડણીખોરોના ત્રાસથી બળવંતસિંહ અને તેમની વ્હાલસોયી દીકરી પ્રજ્ઞાએ આત્મહત્યા કરી લીધી હતી. 

જમીનના 9 કરોડ માટે ખેલ શરૂ થયો 
ચીઠ્ઠીમાં લખેલી વિગતો મુજબ બળવંતસિંહ ઠાકોરની બાપદાદાની જમીન વર્ષ 1994 માં એફસીઆઇ ગોડાઉનમાં સંપાદન થતા તેના 9 કરોડ રૂપિયા મળ્યા હતા. તેવી માહિતી ખંડણીખોર એવા મૂળ ભામૈયાના અને હાલ ગોધરા રહેતા મગન સુંદરભાઈ વણકરને મળી હતી. જો કે આ માહિતી મૃતક બળવંતસિંહે જ મગન વણકરને વાત વાતમાં જણાવી હતી. મગને તેના ઓળખીતા હાર્દીક સોનીને આ માહિતી આપી બળવંતસિંહ પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો. બળવંતસિંહ પાસેથી 9 કરોડ રૂપિયા કઢાવવા માટે મગન વણકર અને હાર્દીક સોની મૌખિક અને ટેલિફોનિક ધમકીઓ આપીને બ્લેક મેઇલ કરી માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. એટલે સુધી કે રૂપિયા આપો નહીં તો પુત્રી પ્રજ્ઞાને ઉઠાવી જઈશું તેવી ધમકીઓ આપતા હતા.

મજબૂર પિતાએ દીકરી સાથે મોતની છલાંગ લગાવી
મગન અને હાર્દિક હવે નિયમિત બળવંતસિંહની લારી પર આખા દિવસનો વકરો પણ લઈ જતા. ધાક ધમકી અને દીકરીને ઉઠાવી જવાની બીકે બળવંતસિંહને કોઇ રસ્તો સૂઝતો નહોતો. આખરે 18 ફેબ્રુઆરીના રોજ સવારે મંદિરે પૂજા અર્ચના કરી બળવંતસિંહ ઠાકોરે પોતાની 22 વર્ષીય પુત્રી પ્રજ્ઞા સાથે તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. 

સંબંધીનો પત્રમાં ઉલ્લેખ
બળવંતસિંહે પોતે લખેલી ત્રણ સ્યૂસાઇડ નોટ પૈકી એક સ્યૂસાઇડ નોટમાં પોતાના કૌટુંબિક ભાઈ કે જેમને ત્યાં થોડા જ દિવસો માં લગ્ન પ્રસંગ હતો તેમને સંબોધીને પણ માફી માંગતા લખ્યું કે, ‘લાલાભાઇને (કેશરીસિંહ) જણાવાનુ કે મારે તમારો પ્રસંગ બગાડવાનો કે ઉમંગ વગર કરવાનો મારો કોઇ હેતુ ન હતો. મારા માટે ભારે સંકટ હતું. જેથી મેં આ પગલુ ભર્યું છે. હું શનિવારથી જ લારી ન ખોલતો અને 4-5 દિવસ બહારગામ જતો રહ્યો હોત તો હાર્દિક ઘરે આવતો અને માણસ આપો અથવા પૈસા આપો. ત્યારે પરિવાર પર શોકનો માહોલ સર્જાઇ જાત. એવી રીતે 2-3 વાર કરત, શ્વેતાનું લગ્ન જેમ થાય છે તેમ જ કરજો. ફક્ત મારા ઘરના અને મારા સગા જ નહી આવી શકે. શનિવારે પણ લગ્નમાં આવ્યા પછી પણ પૈસાની માંગણીનો ફોન આવતો હતો. પરંતુ શનિવારના પૈસા શુક્રવારે આપ્યા પણ ફોન ન હતો કર્યો. લારી પર ધમકી આપવા આવેલ હતો તે થઈને પૈસા આપ્યા અને કહું કે કાલે નથી આવવાનો અને જો આવું ન કર્યું હોત તો નાનભાઈને ફોન કરીને આપવા પડત.
-આપનો ભાઈ બળવંતભાઇ

સામાન્ય રીતે આત્મહત્યા લાગતી આ ઘટનામાં સ્યૂસાઇડ નોટ મળ્યા બાદ નવો જ વળાંક આવ્યો છે. ખંડણીખોરોના ત્રાસથી પિતા અને પુત્રીએ આત્મહત્યા કરવા મજબુર થવું પડ્યું તેવું ફલિત થતા હવે ગોધરા બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધમાં ઉમેરો કરાયો છે. આત્મહત્યા માટે દુષપ્રેરણા, ખંડણી માંગવી સહિત ધારાઓ હેઠળ આરોપી હાર્દિક સોની અને મગન વણકરને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ પરિવાર પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news