સ્વાર્થી ડ્રાઈવર અકસ્માત બાદ ફસાયેલા 50 મુસાફરોને છોડીને ભાગી ગયો, સ્થાનિકોએ કાચ તોડીને બચાવ્યો જીવ
Trending Photos
- અકસ્માત થતા જ ડ્રાઈવર ઘટના સ્થળેથી મુસાફરોને મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે કે તમામ મુસાફરો બસમાં ફસાયેલા હતા. આ જોઈ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા હતા. તમામને સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને બહાર કાઢ્યા હતા
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડના ડુંગરી નજીકના સોનવાળા ગામ પાસે મોડી રાતે ગમખ્વર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી રાજેસ્થાન જતી ખાનગી બસને અકસ્માત થતા એક મુસાફરનું મોત નિપજ્યું છે, તો 5 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો સાથે જ 50 જેટલા મુસાફરો બસમાં ફસાયા હતા, જેમને મહામહેનતે બસમાંથી બહાર કઢાયા હતા.
મોડી રાત્રે વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની બસ મુંબઈથી રાજસ્થાન જવા નીકળી હતી. વલસાડના ડુંગળી નજીકના સોનવાળા ગામ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસને રાત્રે 11.30 થી 12 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. આ ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી વાહનો સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં અચાનક વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની બસે કાબૂ ગુમાવયો હતો. આ સાથે જ બસ એક સ્થાનિક મકાનમાં ઘૂસી ગઈ હતી. ખાનગી બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી, જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત થતા જ ડ્રાઈવર ઘટના સ્થળેથી મુસાફરોને મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે કે તમામ મુસાફરો બસમાં ફસાયેલા હતા. આ જોઈ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા હતા. તમામને સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને બહાર કાઢ્યા હતા. જેના બાદ પોલીસ આવતા પોલીસ પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ હતી.
અકસ્માતમાં રાજસ્થાન જઈ રહેલા એક મુસાફર દેવીલાલ પટેલનું મોત નિપજ્યું છે, તો પાંચ જેટલી મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે. આ ઉપરાંત 50 જેટલા મુસાફરોને ભારે જહેમત બાદ બસમાંથી બહાર કઢાયા હતા. બસ જે ઘરમાં ઘૂસી હતી, સદનસીબે તે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મકાનના પિલ્લર બસની ટક્કરથી તૂટી ગયા હતા.
ઘાયલ મુસાફરોને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો ડુંગરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે