રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવાનું રજિસ્ટ્રેશન શરૂ થતા જ હોબાળો, અનેક જગ્યાએ સર્વર ડાઉન
Trending Photos
અમદાવાદ :આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવાનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, ખેડૂતો રાતના 2 વાગ્યાથી લાઈન લગાવી બેસ્યા છે. પણ સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. વિવિધ સેન્ટર પર વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં રજિસ્ટ્રેશન અંગે વ્યવસ્થા ન કરાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો.
અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જોવા મળ્યા
આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. આજથી લઈ 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. જિલ્લાના 11 યાર્ડમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ થશે. જેના બાદ 1 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે. આ ખરીદી પ્રોસેસ 90 દિવસ સુધી ચાલશે. આ વખતે 1.20 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો નિર્ધાર છે. જેના માટે ટેકાનો ભાવ આ વર્ષે 20 કિલો મગફળી પર 1018 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જે ગત વર્ષે 1000 રૂપિયા હતો. ત્યારે વિવિધ સેન્ટર પર રજિસ્ટ્રેશનના પહેલા જ દિવસે હંગામો જોવા મળ્યો છે.
જામનગરમાં ખેડૂતોનું હલ્લાબોલ
જામનગરમાં નોંધણીના પ્રથમ દિવસે જ ભ્રષ્ટાચાર સામે આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. વ્હાલા-દવલાઓના પહેલેથી જ ફોર્મની નોંધણી કરવા પ્રક્રિયા હાથ ધરાતા ખેડૂતો ઉશ્કેરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ જામનગર ગ્રામ્ય મામલતદારને ઘેરાવ કર્યો હતો. તેમજ ટોકન સિસ્ટમથી અને શિસ્તબદ્ધ નોંધણી કરાવવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી. આમ, જામનગરના હાપા યાર્ડ ખાતે નોંધણી સમયે ગરમાગરમીભર્યો માહોલ રહ્યો હતો. નોંધણી સ્થળે 200થી વધુ ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું.
કોડીનારમાં પણ હોબાળો
કોડીનાર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર 6 કલાકથી લાઈનમાં બેસેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. નોંધણીને લઈને પ્રોસેસ ફાસ્ટ ન થતા ખેડૂતો ગિન્નાયા હતા. જેને પગલે મામલતદાર અને પોલીસને તાત્કાલિક કેન્દ્ર પર પહોંચવું પડ્યું હતું. જોકે મામલો થાળે પાડયા બાદ રજિસ્ટ્રેસન પ્રકિયા શરૂ કરાવાઈ હતી.
નાગરિક પુરવઠા નિગમ તરફથી પ્રતિક્રીયા
તો બીજી તરફ મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશનમા અવ્યવસ્થા મામલે નાગરિક પુરવઠા નિગમ તરફથી પ્રતિક્રીયા આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર એસ.કે મોદીએ જણાવ્યું કે, સર્વર ખોટકાવવાની કોઈ ફરિયાદ નથી. ટેકનિકલ એરર અથવા નેટ કનેક્ટીવિટીના કારણે રજુઆત મળી હતી. અમારી પાસે એનઆઈસીની ટ્રબલ શુટરની ટીમ સજ્જ છે. ત્યારે તમામ સેન્ટરના રજૂઆતોનુ ત્વરીત નિરાકરણ લાવવામાં આવશે. 124 ખરીદ કેન્દ્રો ઉપરાંત 14 હજાર ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા છે. રજિસ્ટ્રેશનમા ખેડૂતોનો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ બે કલાકમા 13 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે ખેડૂતોને ધીરજ રાખવા અપીલ કરીએ છીએ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે