કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં, જાણો કંઈ જગ્યાએ છવાયું વાદળછાયું વાતાવરણ

રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી છે. 

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં, જાણો કંઈ જગ્યાએ છવાયું વાદળછાયું વાતાવરણ

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આજે વહેલી સવારથી જૂનાગઢ, રાજકોટ, જેતપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયુ છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો
આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં ફેરફાર થયો છે. આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. માવઠાથી તલ, બાજરી અને પાછોતરા વાવેતરના ઘઉંને નુકશાન થઈ શકે. બાગાયતી પાકોમાં લીંબુ અને કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ છે.

રાજકોટ વહેલી સવારથી વાતાવરણમાં પલટો
રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી છે. ખુલ્લામાં ખેડૂતોનો જણસ નહી ઉતારવા સૂચના અપાઈ છે. ખેડૂતોએ પાલમાં નહિ કોથળામાં જ જણસ લઈ આવવા માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌથી વધુ ચણા,ઘઉં, લસણ, મગફળી સહિતના પાકની આવક ચાલું છે.

જેતપુરના વાતાવરણમાં પલટો
જેતપુરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વહેલી સવારથી વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા. લોકોને ઠંડીનો જેવો અહેસાસ થયો છે.

જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગની આગાહી પગલે જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા શરૂ થયા હતા. શહેરના બસ સ્ટેન્ડ , રેલ્વે સ્ટેશન રોડ તેમજ ગાંધી ચોક સહીત ના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વધું વરસાદ પડે તો કેરી સહીત અન્ય પાકોમા નુકશાનની ભીતી સેવાઈ રહી છે. જોરદાર માવઠું થાય તો ખેડૂતોમા ચિંતા વધી ગઈ છે. પરંતુ વરસાદી ઝાંટાથી ગરમીથી લોકોને આશિંક રાહત મળી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડી 41.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે 41.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ ચૂક્યો છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બીજી તરફ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારો વધશે.

ઉલ્લેખનીય છે કે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news