બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ 4500 રૂપિયા માટે યુવકનો જીવ લઈ લીધો!

Rajkot Crime News : રાજકોટના શાપરમાં કાકાના 4500 રૂપિયાના દેવામાં ભત્રીજાનો ગયો જીવ, ત્રણ યુવકો દ્વારા છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા

બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ 4500 રૂપિયા માટે યુવકનો જીવ લઈ લીધો!

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટના શાપર વેરાવળમાં યુવકની તિક્ષણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. માત્ર 4500 રૂપિયાના લેતીદેતીમાં હત્યા કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે. ગઈકાલે રાત્રિના જયદીપ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત જયદીપને ખાનગી દવાખાને ખસેડવામાં આવેલો જ્યા તેને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું. જયદીપ મકવાણાનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે

પાન ફાકીના રૂપિયા બાબતે યુવાનની હત્યા...
20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાકીના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે થઈ હતી. સોમવારના રોજ બાકી રૂપિયા મામલે જયદીપને યશ સોનગરા, ચિરાગ સોનગરા અને અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાત્રિના સમયે આ યુવકોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો. જેના કારણે જયદીપ મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે શાપર વેરાવળ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વાત એમ હતી કે, સોમવારના રોજ જયદીપના કાકા પ્રવીણ મકવાણા રાત્રિના નવ વાગ્યે વેરાવળ ખાતે આવેલ સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે પણ ફાકી ખાવા માટે ગયા હતા. ત્યારે યસ સોનગરા તથા તેના ભાઈ ચિરાગ સોનાગરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા 4500 રૂપિયા બાકી છે. તે પૈસા તમે અત્યારે જ આપો. ત્યારે પ્રવીણ મકવાણાએ કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી. થોડા સમય પછી તમને પૈસા આપી દઈશ. ત્યારે તરત જ બંને ભાઈઓ બોલાચાલી કરવા લાગ્યા હતા. આ અરસામા પ્રવીણ મકવાણાનો ભત્રીજો જયદીપ મકવાણા ત્યાંથી પસાર થતો હતો. તે સમયે જયદીપે બંને ભાઈઓને ગાળો નહીં આપવાનું કહેતા તે બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ દુકાનની બહાર આવીને ત્રણેય વ્યક્તિઓ દ્વારા જયદીપને માર મારવામાં આવ્યો હતો.

યશ સોનગરા પાસે છરી હતી, તેથી તેણે છરીથી જયદીપ પર આડેધડ ઘા કર્યા હતા. જયદીપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયો હતો. જેના બાદ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ દ્વારા પ્રવીણ મકવાણાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો.

ત્યારે સમગ્ર મામલે મૃતકના 40 વર્ષીય પિતા ભરત મકવાણા દ્વારા યસ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ipc 302, 323, 504, 114 તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news