નશો કરવાની ના કહેતા યુવકની કરપીણ હત્યા! તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને પાનની દુકાન ચલાવતા વિજય કેશુ બાબરીયાની અજાણ્યા શખ્સો દ્વારા છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનને જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી.

નશો કરવાની ના કહેતા યુવકની કરપીણ હત્યા! તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટનાં દુધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટર પાસે યુવકની બેરહેમીથી છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ગત મોડી રાત્રીનાં કેટલાક અજાણ્યા શખ્સો પાનની દુકાન પાસે ગાંજાનો નશો કરતા હતા ત્યારે દુકાન પાસે નશો ન કરવા કહ્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ આજે બપોરે યુવકને છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને પાનની દુકાન ચલાવતા વિજય કેશુ બાબરીયાની અજાણ્યા શખ્સો દ્વારા છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનને જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી. પરંતુ વિજય બાબરીયાને છરીનાં ઘા ઝીંક્યા હોવાથી ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. 

મૃતક વિજયનાં પિતરાઇ ભાઇ જીતેશ બાબરીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 8 વાગ્યે પાનની દુકાન પાસે ત્રણ શખ્સો ગાંજો પીતા હતા. જેને અહિં થી દુર જતા રહેવાનું કહ્યું હતું. ત્યારે બોલાચાલી થઇ હતી. પછી રાત્રે 12 વાગ્યે તે શખ્સો પરત આવ્યા હતા અને ધમકી આપી હતી કે કાલે જોઇ લઇશું. આજે સવારે પાનની દુકાન ખોલી ધંધો કરતો હતો ત્યારે બપોરે આવીને ત્રણેય શખ્સોએ છરીનાં ઘા ઝીંકી દીધા હતા. 

શહેરનાં દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યાની ઘટના સામે આવતા જ રાજકોટ પોલીસ દોડતી થઇ હતી. વિજય કેશુ બાબરીયાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને થોરાળા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓને શોધખોળ શરૂ કરી હતી. 

એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા હત્યા કરવાનું કારણ શું છે તે દીશામાં પુછપરછ અને તપાસ કરી રહી છે. વિજય બાબરીયાની હત્યા પાછળ ગાંજો પીતા લોકો જ જવાબદાર છે કે નહિં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પોલીસ સકંજામાં છે અને તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેરમાં જાહેરમાં વેંચાતો ગાંજો, દારૂ જેવી બદીઓએ અનેક પરિવારનાં માળાઓ ઉજેડી નાંખ્યા છે. તેમ છતાં પણ પોલીસ નિષ્ક્રિય રહેતા અવાર નવાર દારૂ અને ગાંજાનાં નશામાં બેફામ બનેલા લોકો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. પોલીસ આરોપીઓની પુછપરછમાં શું કારણ બહાર લાવે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news