રાજકોટના ભૂ-માફિયાઓ પર કોના ચાર હાથ? બારોબાર વેચી દીધી કરોડોની જમીન
Trending Photos
- સરકારી જમીનો પર 50 કરોડના ગેરકાયદે દબાણો કરાયા દૂર, બે ભૂ-માફિયા સામે પગલા લેવાયા
- ગેરકાયદે ચાલતા કારખાનાઓમાં PGVCL નું કાયદેસરનું વીજ કનેક્શન કેવી રીતે આવ્યું
- 13 કારખાનાના શેડ બનાવી રૂપિયાન 100 ના સ્ટેમ્પ પર વેચી દેવામાં આવ્યા
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલઆંખ કરી છે. રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા મોટાપાયે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પર કરવામાં આવેલા દબાણો દૂર કરી 5245 ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત અંદાજિત 50 કરોડ થાય છે. ભૂ-માફિયાઓ દ્વારા સરકારી જમીન પર 13 શેડ બનાવવામાં આવ્યા અને વેંચી દેવાનું કારસ્તાન કરવામાં આવ્યું છે. ત્યાં સુધી તંત્રને કેમ ધ્યાને ન આવ્યું કે પછી તંત્રની મીઠી નજર હેઠળ ચાલતું હતું તે સવાલો ઉઠી રહ્યા છે.
કેવી રીતે સરકારી જમીનો પર થયા દબાણો
ભૂ માફિયાઓ દ્વારા સરકારી જમીનમાં કારખાના માટે શેડ અને દુકાનો બનાવી વેચી નાખી હોવાનું કારસ્તાન સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર તંત્રની તપાસમાં બે ભુમાફિયાના નામ સામે આવ્યા છે. જેમાં ચંદુભાઈ કોઠીયા અને સુખાભાઈ ટીલાળા સામે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલનું નિવેદન આપતા કહ્યું હતું કે, 13 જેટલા ગેરકાયદેસર સેડ ઉભા કરવામાં આવ્યા હતા. જેનું ગઈકાલે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે. અંદાજિત 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જંત્રી મુજબ આ જમીનની કિંમત 15 કરોડ કરતા વધુ થાય છે. જ્યારે ભૂ માફિયાઓએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી વેચાણ કરી દેતા હોવાની મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. હાલ માહિતી એકત્ર કરી ભૂ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થઈ કરવામાં આવી શકે છે. જોકે જિલ્લા વહીવટી તંત્રએ ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
PGVCL ના ગેરકાયદે બાંધકામમાં કાયદેસરના કનેક્શન?
રાજકોટ વહીવટી તંત્ર જ્યારે મેગા ડીમોલેશન કરવા પહોંચ્યું ત્યારે PGVCL ના વિજ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર બાંધકામને વીજ કનેક્શન કોની ભલામણથી આપવામાં આવ્યા તે તપાસનો વિષય છે. સામાન્ય લોકોને ઘરનું વીજ કનેક્શન લેવું હોઈ તો અનેક દસ્તાવેજી પુરાવાઓ PGVCL માંગે છે. ખેડૂતોને વીજ કનેક્શન માટે બે થી ત્રણ મહિના જેટલો સમય લાગે છે. જ્યારે ગેરકાયદેસર કરવામાં આવેલા બાંધકામમાં વિજ કનેક્શન આટલી ઝડપથી કોના કહેવાથી આપવામાં આવ્યા તે મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે