સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાનો આદેશ
Trending Photos
સુરત : ગત્ત ઓગસ્ટ 2018માં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી 24 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસુમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ આ નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ ઉપરાંત 1 લાખ રૂપિયાના દંડનો પણ હુકમ કર્યો હતો.
સચિનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઇન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવીને પોતાનો પરિવાર રહે છે. પરિવારની ત્રણ વર્ષની બાળા 13 ઓગષ્ટ, 2018 ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ બહાર રમતી હતી. દરમિયાન મંગલસિંહ નામના 24 વર્ષીય યુવાને બાળાને ઉઠાવી હતી. સિક્યોરિટી ગાર્ડે પુછતા તેણે કહ્યું કે, તેના પિતાને આપવા જઇ રહ્યો છે. જો કે થોડી જ ક્ષણોમાં બાળાના પિતા આવ્યા હતા. જેથી સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, તમારી બાળકીને મહેન્દ્ર સિંહ લઇ ગયો છે. તમને મળી કે નહી. જેથી બાળાના પિતા ઘરે ગયા હતા.
દિકરી નહી મળતા મહેન્દ્રસિંહ ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળા નહી મળતા હતાશ થઇને ત્યાં બેસી ગયા હતા. જો કે થોડા જ સમયમાં બાળાના રડવાનો અવાજ આવ્યો હતો. બાળકીની બુમાબુમ સાંભળીને પિતા ત્યા આવી પહોંચ્યા હતા. પિતાએ નરાધમ પાસેથી બાળકીને છોડાવી હતી. આ સાથે લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતા. પોલીસે જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બાળાને સારવાર માટે ખસેડી હતી. જ્યાં બાળાના ગુપ્ત ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા હતા. જેથી ગાયનેક વિભાગમાં રિફર કરાઇ હતી. પોલીસે નરાધમ સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
છેલ્લા 2 વર્ષથી પોસ્કો કેસ નંબર 219/2018 ચાલી રહ્યો હતો. જેમાં પિતા, મેડિકલ પરિક્ષણ કરનાર ડોક્ટર સહિતની જુબાની લેવાઇ હતી. દરમિયાન 15-10-2018ના રોજ 164 મુજબ નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. આજે 2 વર્ષ બાદ આ કેસની ટ્રાયલ પુરી થઇ હતી. જજ પીએસ કાલાએ આરોપીને સજા ફટકારતો હુકમ કર્યો હતો. જેમાં આરોપી મંગલસિંહને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે