રાજકોટમાં વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? આ 10 કારણો છતાં રૂપાલાને નહીં બદલે?

Rajputs Boycott BJP : ગુજરાતમાં સેફ ગણાતી રાજકોટ બેઠક પર ક્ષત્રિયો બરાબરના બગડ્યા છે, ઉમેદવારી બદલવાની ચર્ચા વચ્ચે દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે, જોકે, રૂપાલાને રાજકોટમાંથી ભાજપ બદલે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. ભાજપને રૂપાલાની જીત પર નહીં પણ આ વિવાદ અન્ય સીટો પર પડશે એની ફક્ત ચિંતા છે. હાલમાં તો રૂપાલા બિન્દાસ્ત પ્રચાર કરી રહ્યાં છે. જેઓએ મોહન કુંડારિયા અને દિલ્હી મીટિંગ મામલે પણ ખુલાસા કરી દીધા છે. 

રાજકોટમાં વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? આ 10 કારણો છતાં રૂપાલાને નહીં બદલે?

Loksabha Election 2024 : ગુજરાતમાં ક્ષત્રિય અને રૂપાલાનો વિવાદ વધવા લાગ્યો છે. આગામી દિવસોમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવાની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ ભલે રૂપાલાની ફેવર કરે પણ એમને પણ ડર લાગતાં રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે રૂપાલાએ ખુલાસો કર્યો છે કે દિલ્હીમાં કેબિનેટની બેઠક હોવાથી દિલ્હી જઈ રહ્યાં છે. એક રૂપાલાને સાચવવામાં ક્ષત્રિયોનો વિરોધ પડોશી રાજ્યમાં પહોંચવાના ડરને પગલે ભાજપ હવે ફફડ્યું છે. 

પરશોત્તમ રૂપાલા માટે કપરો સમય

ગુજરાતમાં રાજકોટ એ ભાજપની સેફ સીટ ગણાય છે. રાજકોટ લોકસભા બેઠક પર જ્યારે પરશોતમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને પાર્ટી હાઈ કમાન્ડ સુધી સૌ કોઈ માની રહ્યા હતા કે અહીં તો 5 લાખની લીડની જગ્યાએ 6.5 લાખની લીડ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સૌરાષ્ટ્રના લીડર તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મળશે. પરંતુ સેફ ગણાતી સીટ ઉપર દિવસે અને દિવસે પરશોત્તમ રૂપાલા માટે કપરો સમય ચાલી રહ્યો છે. ડાયરાની જેમ ભાષણ લલકારવાના શોખિન રૂપાલાને હવે એક નહીં 2 સમાજ વિરોધમાં આવ્યો છે. ક્ષત્રિયોનો વિવાદ તો પૂરો થયો નથી ત્યાં રૂપાલાએ દલિત સમાજને પણ નારાજ કરી દીધો છે. ભાષણોમાં કહેવતો અને ટૂંચકાઓ લલકારી લાંબા લાંબા ભાષણો આપતા રૂપાલાને ભાષણો ભારે પડી રહ્યાં છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓએ તો જયરાજસિંહ ને સિંહ કાઢીને ભાઈ બનાવી દીધા

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિવાદ વધી રહ્યો છે. ભાજપને એમ કે જયરાજસિંહ જાડેજાને વચ્ચે લાવી આ વિવાદ પૂરો કરી દેશે પણ હવે જયરાજસિંહ એટલે કોણ એવો સવાલ ઉભો થયો છે. ભાજપના નેતાઓ ભેગા કરીને જયરાજસિંહ જાડેજાને આગળ કરી ભાજપે દાવ તો ખેલી દીધો પાટીલે એમ પણ કહી દીધું કે 24 કલાકમાં વિવાદનો અંત આવી જશે પણ હવે જયરાજ કોણ એ સવાલ ઉભો થયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તો જયરાજસિંહ ને સિંહ કાઢીને ભાઈ બનાવી દીધા છે. આ પ્રકરણમાં ગોંડલના બાહુબલી જયરાજસિંહ જાડેજાની આબરૂ દાવ પર લાગી ગઈ છે. આગામી દિવસોમાં આ વિવાદનો પડઘો રાજસ્થાન અને એમપી સુધી પડવાનો ભાજપને ડર છે. ક્ષત્રિયો મામલે બુમરાણ મચાવતી કરણીસેનાનું પ્રભુત્વ રાજસ્થાન અને એમપીમાં પણ છે. ગઈકાલે દેશભરમાં આ વિરોધ એ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડીંગમાં હતો.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના સોશિયલ મીડિયાના આ ગ્રૂપોમાં આ વિવાદ ટોચ પર છે. દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. સરકારે આઈબીને પણ એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં આની અસર જોવા મળી રહી છે. આ ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશ બંધી કરાઈ રહી છે. ભાજપને હવે એ ડર લાગી રહ્યો છે કે ક્ષત્રિય સમાજનો આ વિવાદ ગુજરાતના દરેક ગામ સુધી ના પહોંચે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2024

 

ક્ષત્રિય સમાજનો વિરોધ છતાં રાજકોટમાં  રૂપાલાને હરાવવા એ અશક્ય છે એ સૌ કોઈ જાણે છે કારણ કે આ બેઠક એ ભાજપની સેફ બેઠક છે. હવે ભાજપે નવા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા છે. કડવા પાટીદાર સાંસદ મોહન કુંડારીયાની જગ્યાએ કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ સીટ ઉપર ભરત બોઘરા સહિતના લેઉવા પટેલ સમાજમાંથી આવતા નેતાઓ મામલે સેન્સ આપવામાં આવી હતી. તેમ છતાં પાર્ટી દ્વારા અહીં કડવા પટેલ સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી.

ભાજપને શું ડર

  • વિકાસના બદલે ભાજપના જ્ઞાતિવાદના મોડેલનું રાજ ખૂલી જવાનો ડર
  • રૂપાલાને હટાવવા પડા પાછળ ખેલ પાડતા અસંતુષ્ટોને પીઠબળ મળી જવાનો ભય 
  • રૂપાલાનો વિવાદ રાજ્ય સહિત દેશભરમાં ફેલાવાનો ડર
  • રાજસ્થાન અને એમપી સુધી આ વિવાદ પહોંચે તો મોટા નુક્સાનની સંભાવના
  • ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓ સુધી વિવાદ પહોંચે તો ગુજરાતમાં નુક્સાનનો ડર
  • રૂપાલાની ટિકિટ કાપે તો કડવા પાટીદારો નારાજ થવાની બીક
  • એક બેઠકનો વિવાદ 26 સીટો સુધી પહોંચે તો કોંગ્રેસને મળી શકે છે લાભ
  • ભાજપના હેટ્રીક ફટકારવાના અને 5 લાખની લીડથી સપનું ચકનાચૂર થવાનો ડર
  • એક સમાજના ડરને કારણે ઉમેદવાર બદલે તો જમ ઘર ભાળી જવાની સંભાવના
  • ક્ષત્રિયોનો સાથ ઈતર કોમ આપે તો ભાજપને મોટા નુક્સાનની શક્યતા
  • રૂપાલાને કારણે હવે દલિત સમાજમાં રોષ વધ્યો

ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીને અગાઉથી જ ખ્યાલ હતો કે જો આ સીટ ઉપર મેક્સિમમ લીડ મેળવવી હોય તો તેના માટે લેઉવા પટેલ સમાજના નેતાઓ અને લોકોનો સાથ જરૂરી છે. ક્ષત્રિયોના વિવાદ બાદ હવે કડવા અને લેઉવા પાટીદારો એક થઈ ગયા છે. જેને પગલે રૂપાલા માટે આ બેઠક વધારે સેફ થઈ ગઈ છે.

રૂપાલાને રાજકોટમાં હરાવવા લોઢાના ચણા ચાવવા સમાન

રૂપાલાને અહીંથી હરાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. ક્ષત્રિયોનો વિવાદ પણ અહીં નડે એમ નથી. આ બેઠક પર માંડ 5 ટકા ક્ષત્રિય મતદારો છે જેમાં 2 ટકા તો ભાજપની ફેવર કરી રહ્યાં છે.  રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતા આવ્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2024

 

વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ બંને વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે.1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે.1989 બાદ એક જ વખત કોંગ્રેસ જીતી છે રાજકોટ બેઠક. રાજકોટ લોકસભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે.

કુંવરજી બાવળિયાએ અહીં મેળવી છે જીત

વર્ષ 2009માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડ તો ભાજપના જ વોર્ડ માનવામાં આવે છે. જેના કારણે ભાજપને અહીંથી સહેલાઈથી જીત મળી રહે છે.

આમ છતાં ભાજપે રૂપાલાને દિલ્હી બોલાવ્યા છે અને તમામ ઉમેદવારો તેમજ ભાજપના નેતાઓને મૌન રહેવાના આદેશો આપ્યા છે. ભાજપને ખબર છે કે કોંગ્રેસ અને પાર્ટીના અસંતુષ્ટો આ વિવાદને વકરાવી શકે છે. ભાજપના અંદરો અંદરના કેટલાક નેતાઓ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. જેઓ અહીંથી ટિકિટના દાવેદાર હતા તેઓ પડદા પાછળ ખેલ પાડી રહ્યાં છે. જેઓ નેતાઓના નજીકના પણ છે.

rupala_vivad_zee.jpg

રૂપાલાની છબી ખરડાય તેમાં કોને રસ
પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. કારણે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલો વિવાદ શાંત નથી થઈ રહ્યો. ત્યારે એક નવા રિપોર્ટે ભાજપની ઊંઘ ઉડાડી છે. પક્ષના ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું કે, વિવાદ ઉભો થયો નથી, પણ ઉભો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતાઓ જ આખા પિક્ચરમાં વિલન બન્યા છે.  છેલ્લા કેટલાક સમયથી પાટીલ કમલમમાં વેલકમ પાર્ટી અને ભરતી મેળાના નામે જાતજાતના કાર્યક્રમ કરી રહ્યાં છે. આવામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે.

પક્ષપલટુઓ માટે લાલ જાજમ

પક્ષ માટે પરસેવો પાડનારા નેતાઓને કોરાણે મૂકીને ભાજપ પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરી રહ્યું છે. આ કારણે પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓને શિરપાવ મળતા તેમને મોટાભા બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રિપોર્ટ કહે છે કે, સાઈડલાઈન કરાયેલા નેતાઓ જ ભાજપને નડી રહ્યાં છે. આ જ નેતાઓ રૂપાલાની આગમાં ઘી હોમી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે, ભાજપને ચૂંટણીમાં નુકસાન થાય. 

દિલ્હીને બધુ ખબર છે, પણ 
બીજી તરફ, વિવાદ વકરતા ખુદ દિલ્હી હાઈકમાન્ડને તેમાં રસ પડ્યો છે. આ અસંતુષ્ટ નેતાઓ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે, ચૂંટણી બાદ વિરોધીઓનો હિસાબ કરવામા આવશે. હાલ ચૂંટણી માથા પર હોવાથી વિવાદ વધુ વકરે નહિ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે, હાલ આખા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુદ હાઈકમાન્ડે તખ્તો તૈયાર કર્યો છે.
 

Zee 24 Kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news