સાબરકાંઠા: રહી રહીને આવેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી, પાકનો સંપુર્ણ નાશ થયો
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જીલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ ડાંગરની ખેતી થઇ છે. જેમાં ખાસ કરીને પ્રાંતિજ વિસ્તારમાં પાછોતરા વરસાદ વરસવાને લઇને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. તૈયાર થવાના આરે ડાંગરનો પાક વાવાઝોડાને કારણે જમીન દોસ્ત થઇ ગયો છે. સાબરકાંઠા જીલ્લામાં પહેલા વરસાદ ખેંચાતા ખેડુતોનો જીવ તાળવે ચોંટ્યો હતો કે, ચોમાસુ કેવુ રહેશે, પણ અનુકુળ વરસાદ બાદ ડાંગરનો પાક પણ સારો થયો હતો તો હવે પાક લેવાને આરે ૧૫ દિવસ બાકી છે, ત્યારે સતત બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઉભો પાક જમીન દોસ્ત થઇ ગયો છે.
જેને લઈને ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો ગત વર્ષે પણ પાછોતરા વરસાદે ખેડૂતોને રોવડાવ્યા હતા તો આ વર્ષે પણ વાવઝોડા અને વરસાદને લઈને અંદાજીત ચાલીસ ટકા જેટલો ઉભો પાક જમીનદોસ્ત થયો હતો. હવે વરસાદ જતા જતા પણ વધુ વરસવાને લઇને ઉભા પાકનો હવે સોથ વળી રહ્યો છે. શાકભાજીના પાકમાં પાછોતરા વરસાદે નુકશાન કર્યા બાદ હવે છેલ્લા બે ત્રણ દીવસથી વરસાદ વરસવાને લઇને ડાંગર જેવા પાકનો પણ સોથ વળવા લાગ્યો છે. સાબરકાંઠા જિલ્લાના સલાલ અને પોગલુ પંથકમાં ડાંગરના પાકનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
જોકે હાલમાં વરસાદ વરસવાને લઇને ડાંગરના પાકમાં વ્યાપક નુકશાન સર્જાયુ છે. પ્રાંતિજ આસપાસના સલાલ, સોનાસણ, પોગલુ, પલ્લાચર, પિલુદ્રા અને અમિનપુર પંથકમાં ડાંગરના પાકમાં ભારે પવન અને વરસાદી માહોલને લઇને પાક આડો પડી જવાથી નુકશાન સર્જાયુ છે. વિસ્તારના ખેડુતો માટે જાણે કે હવે વરસાદ આફત રુપ નિવડી રહ્યો છે. જીલ્લાના ત્રણ તાલુકામાં ડાંગરનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે, જેમાં પ્રાંતિજ, તલોદ અને વિજયનગર તાલુકામાં ડાંગરનુ વાવેતર થાય છે. જેમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર પ્રાંતિજ તાલુકાના સલાલ, સોનાસણ, પલ્લાચર, પોગલુ, વદરાડ, અમીનપુર વિસ્તારમાં થાય છે. ચાલુ વર્ષે ૭૦૪૬ હેકટર વિસ્તારમાં ડાંગરના પાકનુ વાવેતર થયું હતું. જે પૈકી ૬,૫૨૧ હેક્ટર પ્રાંતિજ અને ૪૦૯ હેક્ટર તલોદ તાલુકામાં થયું હતું. તો ૮૫૩ હેક્ટરમાં બિનપિયત ડાંગરનું વાવેતર વિજયનગર તાલુકામાં થયું હતું.
હાલમાં જ સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પવન સાથે વરસવાને લઇને પાકનો સોથ વળી જવા પામ્યો છે. વિસ્તારમાં અનેક ડાંગરના ખેતરોમાં પાક આડો પડી જવા પામ્યો છે તો પાકમાં વરસાદી પાણી પણ ભરાયેલા છે આમ ડાંગર નો પાક તૈયાર થયેલો હવે ઓછુ ઉત્પાદન ખેડુતોને મળશે. જે ઉતારો ખેડુતોને મળતો હતો તેના પ્રમાણમાં ચાળીસ થી સાંઇઠ ટકા ઉત્પાદન કેટલાક ખેડુતોને ઓછુ આવશે. હવે ડાંગરનુ ઉત્પાદન પણ નબળી ગુણવત્તાનુ થવાથી ભાવ પણ ઓછા મળે તેવી ભીતી ખેડુતોને વરતાઇ રહી છે. જેને લઇને ખેડુતો પણ હવે સરકાર દ્રારા સર્વેની કામગીરી હાથ ધરી વળતરની માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે