'સેવા પરમો ધર્મ:': સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમ

આજે પણ છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ બ્રધર સંજય પટેલની નિગરાનીમાં સતત કાર્યરત છે. આ એક એવી ટીમ છે જે ડોક્ટરોની સહાયમાં તેમની સાથે અડીખમ ઉભા રહીને દર્દીને સાજો કરવાની વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે,

'સેવા પરમો ધર્મ:': સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમ

સુરત: સમગ્ર વિશ્વની સાથે ભારત જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે, ત્યારે પોતાની કે પોતાના પરિવારની આરોગ્યની ચિંતા કર્યા વિના 'સેવા પરમો ધર્મ:'ના મંત્રને આત્મસાત કરી દરરોજ દસ થી બાર કલાકથી વધુ સમય દર્દીનારાયણની સેવામાં સ્મીમેર હોસ્પિટલના ફ્રન્ટલાઈન વોરિયર્સ કાર્યરત છે. સુરત શહેરમાં જ્યારે કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો. ત્યારે તકેદારીના ભાગે વર્ષ ૨૦૨૦ થી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' નામથી એક ખાસ ટીમ બનાવવામાં આવી. 

જે આજે પણ છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ બ્રધર સંજય પટેલની નિગરાનીમાં સતત કાર્યરત છે. આ એક એવી ટીમ છે જે ડોક્ટરોની સહાયમાં તેમની સાથે અડીખમ ઉભા રહીને દર્દીને સાજો કરવાની વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે, અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં કૃતનિશ્ચયી બની રાતદિન જોયા વિના સતત કાર્યરત છે.

ટીમ સાથે જોડાયેલા કુલ ૭ ફ્રન્ટલાઈન કોરોનાવોરિયર્સની વાત જ અલગ છે. કોરોનાની બીજી લહેરમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના માત્ર દર્દીઓના આરોગ્યની ચિંતા કરતાં ખડેપગે દર્દીની સેવામાં હાજર રહે છે. આ ટીમના આશિષ ટંડેલ, મયુર પટેલ, નિમિષા પરમાર, મિત્તલ શાસ્ત્રી અને ઝંખના ખત્રી આજે પણ ઓપીડી તથા આઈપીડી વિભાગને જોડતી કડી છે. તેમણે દર્દીઓની સેવામાં એવો સેતુ રચ્યો છે કે દર્દી હોસ્પિટલમાં આવે કે તરત જ સ્ટ્રેચર પર બેડ સુધી લઈ જવા અને છેક સાજા થઈને ઘરે જાય ત્યાં સુધીની સારવાર-સેવા આ ટીમના મહેનતુ સભ્યો કરી રહ્યા છે.

હોસ્પિટલમાંથી નીકળતા બાયોવેસ્ટનું નિયત ધારાધોરણ અનુસાર નિકાલ કરવો જરૂરી હોય છે. તેથી હોસ્પિટલ તંત્રના પ્રોટોકોલ મુજબ બાયોવેસ્ટ નિકાલ કરવાની કામગીરી પણ આ ટીમ કરે છે. વધુમાં આ ટીમ કોવિડ ટેસ્ટ માટેની જરૂરી વસ્તુઓ, ઈન્જેક્શન, દવાઓ વગેરે તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે, અને સમયાંતરે અત્યંત જરૂરી એવા ઓક્સિજન સિલિન્ડરના  રિફિલિંગની કામગીરી તથા મોનિટર, વેન્ટિલેટર, સ્ટ્રેચર વગેરેને લગતી મેન્ટેનન્સની તમામ કામગીરીઓ જવાબદારીપૂર્વક નિભાવી રહ્યા છે.

'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ'-આઈસીએન ટીમના સભ્યો ડેટા મેનેજમેન્ટની મહત્વની ફરજ પણ અદા કરી રહ્યા છે. શિફટ પ્રમાણે કોવિડ ઓપીડી તથા સ્ક્રીનીંગ ઓપીડીમા આવતા તમામ દર્દીઓના ડેટા સમયસર ઉપરી અધિકારીઓને પહોંચાડે છે, જેનાથી ઉપલા સ્તરના અધિકારીઓને પણ આરોગ્યલક્ષી કામમાં સરળતા રહે છે, અને દર્દીઓને જરૂરી સારવારનું સુનિયોજિત વ્યવસ્થાપન ગોઠવવામાં મદદ મળી રહે છે. આઈસીએન ટીમના સભ્યો કોવિડ મહામારી સામેના સંઘર્ષની વાત કરે છે, અને એકસૂરે કહે છે કે જ્યાં સુધી સુરતમાંથી અને દેશમાંથી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અમે અમારી ફરજમાંથી પીછેહઠ નહિ કરીએ.

ઈન્ચાર્જ બ્રધર સંજય પટેલ જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેરથી જ હું આઈ.સી.એન.ટીમ સાથે જોડાઈને એકબીજાના સાથસહકારથી દર્દીઓને તમામ રીતે મદદરૂપ થવામાં સહભાગી બની રહ્યાં છીએ એનો અમને ગર્વ છે. સ્મીમેરમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમનો પણ પરિવાર હશે અને કુટુંબીજનો ખુબ ચિંતિત હશે. 

જેથી દર્દીઓ જલ્દીથી સાજા થાય તો તેમના પરીવારને મળી શકે, પહેલાં જેવું જ સહજ જીવન જીવી શકે તે બાબતને નજર સમક્ષ રાખીને કામ કરીએ છીએ. ઘણાં સામાજિક પડકારો, અવરોધો અને કોરોના સામે સતત સંઘર્ષ છતાં અમે છેલ્લા એક વર્ષથી ટીમવર્કને જારી રાખ્યું છે.

સ્ટાફ નર્સ તરીકે કામગીરી કરતાં ટીમના એક અન્ય મહિલા વોરિયર ઝંખના ખત્રી છે, જેનો જુસ્સો પણ સરાહનીય છે. પોતાના જીવનમાં દરેક યુવક-યુવતીને પોતાના લગ્નને લઈ અનેરો ઉત્સાહ હોય છે.તેમાં પણ યુવક કરતા યુવતી પોતાના લગ્નની ઉજવણીના વિશેષ સપના જોતી હોય છે, પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી આરોગ્યકર્મી ઝંખના ખત્રી લગ્નના ૧૫ દિવસમાં જ ફરજ પર હાજર થઈને દર્દીઓની સેવામાં જોડાઈ ગયાં હતાં. 

લગ્નની ઉજવણી, પરિવાર સાથે શુભપ્રસંગમાં વધુ સમય વિતાવવો જેવા તમામ પાસાઓને બાજુએ મૂકી દીધા હોય તેમ લગ્ન કર્યા બાદ પતિ અને પરિવારની રજા લઈને ફરજ પર આવી ગયાં. તેઓ કહે છે કે, ''હાલ મારી જરૂર દર્દીઓને સૌથી વધુ છે. એકવાર આ વાયરસ સામે જંગ જીતી જઈશુ પછી પરિવાર સાથે પૂરતો સમય આપીશ. મારા પતિ અને સાસરી પક્ષનો આ બાબતે મને પૂરો સહકાર મળ્યો છે, જેના પરિણામે હું દર્દીઓની સેવા બમણા ઉત્સાહથી કરી રહી છું.'' ટીમમાં ઈન્ચાર્જ બ્રધર સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આશિષ ટંડેલ, મયુર પટેલ, મહિલા આરોગ્યકર્મી નિમિષા પરમાર અને મિત્તલ શાસ્ત્રી, ઝંખના ખત્રી પૂરી નિષ્ઠાથી દર્દીઓની સેવામાં ફરજ નિભાવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news