રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ

સંકલન સમિતિના આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ વિવિધ પડતર માંગણીઓ સંતોષાશે એવી ખાત્રી મળ્યા બાદ હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા એસ.ટી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ

તૃષાર પટેલ, વડોદરા: રાજ્યના એસ.ટી. કર્મચારીઓની બે દિવસથી ચાલી રહેલી હડતાલ શુક્રવારે મોડી રાત્રે અંત આવ્યો આવ્યો હતો. સંકલન સમિતિના આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ વિવિધ પડતર માંગણીઓ સંતોષાશે એવી ખાત્રી મળ્યા બાદ હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા એસ.ટી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મીઓ છેલ્લા બે દિવસથી પોતાની પડતર માંગણીઓના સંદર્ભે હડતાલ પર ઉતર્યા હતા. બે દિવસથી સમગ્ર રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોવાને કારણે એસટીની તમામ સેવાઓ બંધ રહતા રાજ્યના અનેક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હડતાળને પગલે એસ.ટી. વિભાગની સંકલન સમિતિએ સરકાર સાથે પહેલી વખત બેઠક કરી હતી જે પડી ભાંગી હતી અને ત્યાર બાદ શુક્રવારે મોડી રાત્રે બીજી બેઠકનું આયોજન થતાં વાહન વ્યવહાર મંત્રીએ સાતમાં પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ સત્વરે સંતોષી આપવાની લેખિતમાં ખાત્રી આપતાં કર્મચારીઓએ હડતાળને પરત ખેંચી ફરજ પર જોડાયા હતા.

વડોદરા ડેપોમાં વહેલી સવારથી એસ.ટી.ના કર્મચારીઓ ફરજમાં જોડાયા હતા અને શિડયુલ મુજબના રૂટ પર બસોની ટ્રીપો ગોઠવી દેવામાં આવી હતી. બસોની સેવા શરૂ થતાં ડેપો ખાતે મુસાફરો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. એકંદરે બે દિવસની હડતાલ બાદ એસ.ટી. વિભાગનો વાહન વ્યવહાર રાબેતા મુજબ નિયમિત થતાં મુસાફરો પણ ખુશ થયા હતા અને હડતાલ દરમિયાન તેઓએ ભોગવેલ હાલાકીનો અંત આવ્યાની વાત જણાવી હતી. રાજ્યના હજારો એસ.ટી.કર્મીઓની હડતાલના પગલે વડોદરા એસ.ટી. ડેપો સૂમસામ હતો. સંકલન સમિતિની બેઠક બાદ એસ.ટી.કર્મીઓની હડતાલ પૂરી થઈ હતી.

આજે વહેલી સવારથી ડેપો મુસાફરોની આવનજાવન શરૂ થવા પામી હતી મહત્વનું છે કે, એસ.ટી.ના કર્મચારીઓની વિવિધ 13 જેટલી માંગણીઓને લઈને આક્રમક મૂડમાં કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ હડતાલને કારણે વડોદરા ડિવિઝનને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું પરંતુ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સાથેની બેઠકની અંદર એસ.ટી.કર્મીઓની માંગ અંગે ઘટતું કરવાની ખાતરી અપાયા હડતાલનો સુખદ અંત આવ્યો છે. તેનાથી મુસાફરોને પણ આનંદ છે. સતત બે દિવસથી હેરાન પરેશાન થતા મુસાફરો હવે ચોક્કસ સમયે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે એ વાતનો તેમને આનંદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news