મોંઘવારીમાં ચોરીની વિચિત્ર ઘટના, લાખો રૂપિયાના જીરૂની ચોરી થઇ ગઇ
Trending Photos
મોરબી : શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં વેપારી દ્વારા જીરૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે ૧૧૭ પણ જીરૂની ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા મોરબી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર લાખના માલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં જે વેપારીની માલની ચોરી થયેલ હતી તેના એક મજુર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરીને તમામ મુદામાલ રીકવર કરેલ છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનીલાલ દેત્રોજા (૫૨)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતુ કે, મોરબી શહેરના રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં શેડની અંદર તેના ૩૯ કોથળા જેમાં ૧૧૭ મણ જીરૂનો જથ્થો ભરેલો હતો. તે કોઈ અજાણ્યા શખ્સે ગત તા. 31 ના રોજ રાત્રી દરમ્યાન ચોરી કરી ગયેલ છે. જેથી કરીને ચાર લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થયેલ હોય ભોગ બનેલા વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. મોરબી માર્કેટ યાર્ડની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
દરમ્યાન આ ગુનામાં વેપારીને ત્યાં વર્ષોથી કામ કરતો મજુર સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી હતી. જેના આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. ચોરીના આ ગુનામાં ડુંગરારામ ખેતારામ સુથાર રહે. રાજસ્થાન, જગદીશરામ ગંગારામ ચૌધરી રહે બાડમેર, ચુન્નારામ રતનરામ ચૌધરી રહે. બાડમેર અને તગારામ નરસિંગરામ સઉ રહે. બાડમેરની ધરપકડ કરવામાં આવેલ છે. તેની પાસેથી ચોરીમાં ગયેલ ચાર લાખ રૂપિયાની કિંમતના જીરાનો જથ્થો તેમજ ચોરીના કામે વપરાયેલ બોલેરો ગાડી આમ કુલ મળીને પોલીસ દ્વારા 6.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. પોલીસે જણાવ્યું કે ચોરીની આ ઘટનામાં પકડાયેલા જગદીશરામ ગંગારામ ચૌધરી જે વેપારીના માલની ચોરી થઇ હતી. તેની સાથે વર્ષોથી કામગીરી કરતો હતો અને તેણે ચોરી માટે થઈને ટીપ આપી હતી. જેના આધારે અન્ય ત્રણ શખ્સોએ મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે