ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં 2 લાખ ફી શા માટે વધારવામાં આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન

ZEE 24 કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ક્હ્યું કે GMERS કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડવાનો નથી.

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં 2 લાખ ફી શા માટે વધારવામાં આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્ય સરકારે GMERS કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં 2 લાખ રૂપિયાનો વધારો કરતાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. મેડિકલ કોલેજોમાં 2 લાખ રૂપિયા ફી શા માટે વધારવામાં આવી આ સવાલ ZEE 24 કલાકે રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યો છે. 

ZEE 24 કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ક્હ્યું કે GMERS કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડવાનો નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની ફી 3 લાખ 30 હજાર રૂપિયા હતી તે વધારીને લગભગ 5 લાખ 50 હજાર રૂપિયા કરવામાં આવી છે. 

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે GMERSની 13 કોલેજોમાં 2100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી 1713 વિદ્યાર્થીઓને સંપૂર્ણ પણે સરકારી મદદ મળે છે. એટલે કે સ્કોલરશિપનો સીધો લાભ મળે છે. 

આ સાથે જ તેમણે કહ્યું કે GMERS સોસાયટી પર બોજો વધતો જાય છે, જેની સામે આ ફી વધારો કંઈ જ નથી. આ સાથે જ તેમણે સરકારી લાભો મેળવીને ડૉક્ટર બનનારા વિદ્યાર્થીઓને કહ્યું કે સરકારી લાભ લેનારા વિદ્યાર્થી તબીબો 1 વર્ષના બોન્ડ માટે પણ તૈયાર નથી. તેમણે વિચારવું જોઈએ કે સરકારી યોજનાનો લાભ લઈને પણ ગામડાંમાં અને અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા આપવામાં કેમ તેઓ પાછળ રહે છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news