ઈ-બાઈક માટે સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે તગડી સબસિડી, સુરતની નિધિ ગજેરાનું સ્વપ્નું થયું સાકાર

વિદ્યાર્થીઓની જરૂરિયાતોની સાથે પર્યાવરણની સુરક્ષાનો સુયોગ્ય તાલમેલ બેસાડતી ઈ-બાઈક સહાય યોજના હેઠળ રાજ્યના ધો.9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો- સ્પીડ ટુ વ્હીલર બાઈકની ખરીદી માટે રૂ.12,000ની સબસિડી આપવામાં આવે છે.

ઈ-બાઈક માટે સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે તગડી સબસિડી, સુરતની નિધિ ગજેરાનું સ્વપ્નું થયું સાકાર

ઝી ન્યૂઝ/ગાંધીનગર: તમામ વર્ગના નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી-સંવર્ધન માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરી રહી છે. જેની સાબિતી આપતી ઈ-બાઈક સહાય યોજના વિદ્યાર્થી વર્ગમાં લોકપ્રિય બની રહી છે. 

12 હજારની રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય
વિદ્યાર્થીઓની જરૂરિયાતોની સાથે પર્યાવરણની સુરક્ષાનો સુયોગ્ય તાલમેલ બેસાડતી ઈ-બાઈક સહાય યોજના હેઠળ રાજ્યના ધો.9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો- સ્પીડ ટુ વ્હીલર બાઈકની ખરીદી માટે રૂ.12,000ની સબસિડી આપવામાં આવે છે.

સુરતની નિધિ ગજેરાનું પોતાની બાઈક લેવાનું સ્વપ્નું થયું સાકાર
આજે વાત છે સુરતના વરાછાની વિદ્યાર્થીની નિધિ ગજેરાની...વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી આ યોજનાનો લાભ લઈ વરાછા વિસ્તારમાં રહેતી નિધિ રાજુભાઈ ગજેરાનું પોતાની બાઈક લેવાનું સ્વપ્ન સાકાર થયું છે. 18 વર્ષની નિધિને ધો.12ના અભ્યાસ સમયે જ્યારે પેટ્રોલવાળી અને ઈ-બાઈક વચ્ચે પસંદગી કરવાની વાત આવી ત્યારે ડાયમંડ ક્ષેત્રમાં નોકરી કરતાં નિધિના પિતાએ ઈ-બાઈકના અનેક લાભોથી માહિતગાર કરી તેને ઈ-બાઈકની પસંદગી કરવાની સલાહ આપી. જેમાં નિધિએ સબસિડી, ન્યૂનતમ નિભાવ ખર્ચ, સ્પીડ કંટ્રોલ સેફટી ફીચર અને પર્યાવરણના જતન માટે લાભકારી-પ્રદૂષણના નિયંત્રણ જેવા મહત્વના ફાયદાઓ હોવાથી પેટ્રોલના બદલે ઈ-બાઈક પહેલી પસંદ બની હોવાનું જણાવ્યું.

હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી નિધી રોજ 40 થી 50 કિ.મી.ની મુસાફરી ઇ-બાઈક ઉપર કરે છે જે માટે રોજ એક થી દોઢ કલાક સુધી બેટરી ચાર્જ કરતી હોવાનું તેણી જણાવે છે. તે કહે છે કે, ‘અગાઉ હું શાળાએ ચાલીને જ જતી હતી, પરંતુ ઈ-બાઈક આવ્યા બાદ કોલેજ તેમજ ઘરપરિવારના કામો, શુભપ્રસંગોમાં પણ ઈ-બાઈકનો જ ઉપયોગ કરૂ છું.

નહિવત હોવાથી કોઈ આર્થિક ભારણ લાગતું નથી
બેટરી ચાર્જિંગ માટે વપરાતા વીજ યુનિટની વાત કરતાં નિધિએ કહ્યું કે, બે મહિનાનાં વીજળીના બિલમાં માત્ર રૂ.500નો જ વધારો થયો છે, જે પેટ્રોલની સરખામણીએ નહિવત હોવાથી કોઈ આર્થિક ભારણ લાગતું નથી. બાઈકમાં 45  સુધીની સ્પીડ લોક હોવાથી સેફટીની ચિંતા પણ દૂર થઈ છે. 

રાજ્ય સરકારની સહાયથી નિધિને મળી રહેલી ઈ-બાઈકની સુવિધા માટે તેણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના તમામ વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરીને અન્યને પણ આ ઈ-બાઈક ખરીદીને પર્યાવરણના જતનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
 

Trending news