કાઠું કાઢે ઈ ગુજરાતી! જાણો ભાવનગરના 3 ફુટના ડોક્ટર ગણેશની કહાની, આજે વિશ્વમાં લેવાય છે નોંધ

ડૉ.ગણેશ બરૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેના સંઘર્ષની વાત કરીએ તો, ડોકટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં 12માં સાયન્સ સાથે NEETમાં સફળ થયો હતો. પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી. 

કાઠું કાઢે ઈ ગુજરાતી! જાણો ભાવનગરના 3 ફુટના ડોક્ટર ગણેશની કહાની, આજે વિશ્વમાં લેવાય છે નોંધ

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડો.ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિશ્વના સૌથી ટૂંકી હાઈટ વાળા ડૉક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરી 23 વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ કર્યા બાદ ડોકટર ગણેશે હવે સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ શરૂ કરી છે. માત્ર ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ બે દિવસ પહેલાં જ શરૂ થઇ છે. ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પૂર્ણ થશે. અને તેને પૂર્ણ ડોક્ટરનું બિરુદ મળશે

ઊંચાઈના કારણે MCI એ MBBS માં એડમિશન આપવાનો ઇનકાર
ડોકટર ગણેશએ NEET, PG 2025 ની પરીક્ષા આપીને દવા, બાળરોગ, ત્વચારોગ વિજ્ઞાની અથવા મનોચિકિત્સાના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છે. એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નશીપ કરી રહેલા ડો.ગણેશે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઈન્ટર્નશીપ બાદ NEET PG 2025ની પરીક્ષા આપ્યા બાદ તેણે મેડિસિન, પેડિયાટ્રીક્સ, ડર્મેટોલોજી કે સાયકિયાટ્રીના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાનો છે. ડૉક્ટર બનવાની આ સફરમાં ગણેશને શાળાના ડાયરેક્ટર, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ મળી રહ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર મારી શાળાના સંચાલકો પાસેથી ડોકટરો પર પ્રતિબંધ મૂકવાનો વિચાર આવ્યો અને જ્યારે MCI એ MBBS માં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે તળાજાની નીલકંઠ વિદ્યાલયના શાળા સંચાલકોએ જ હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે ટેકો આપ્યો હતો. ત્રણ ફૂટની ઊંચાઈના કારણે MCI એ MBBS માં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો. 

ત્રણ ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર 16 કિલો
ડૉ.ગણેશ બરૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેના સંઘર્ષની વાત કરીએ તો, ડોકટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં 12માં સાયન્સ સાથે NEETમાં સફળ થયો હતો. પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી. ડોક્ટર ગણેશ કહે છે કે અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા. ત્યાર પછી ખુબ જ નિરાશ થયો હતો. પરંતુ હિમ્મત અને પોતાના વિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. તારીખ: 23/10/2018 ના રોજ રાહત આપતા, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઊંચાઈ ઓછી હોવા છતાં, તમે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકો છો. સુપ્રીમના આદેશથી મારા સપનાના દ્વારા ખુલી જતા ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. અને ત્યાર બાદ 01/08/2019 થી પ્રવેશ પછી MBBS નો અભ્યાસ શરૂ થયો. તે સમયે ત્રણ ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર 16 કિલો જ હતું. 

રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ
ઓછી ઉંચાઈને કારણે જો કોઈ સમસ્યા હતી. તો પહેલા શાળામાંથી, પછી કોલેજ અને મિત્રો તરફથી મદદ મળી. ડોકટર ગણેશ કહે છે કે ટૂંકી ઉંચાઈને કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે. શાળા સમય દરમિયાન જે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમાં મોટાભાગે શાળાના સંચાલકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો. અને સંચાલકો દ્વારા અલગથી સગવડો પૂરી પાડી હતી. જ્યારે મેડિકલ પ્રેક્ટિસની પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યાઓ આવી ત્યારે તેમાં પણ મને કોલેજના ડીનનો સહયોગ મળ્યો. જ્યારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. ત્યારે વિશેષ સહયોગ મળે છે. ડોકટર ગણેશ કહે છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે તેને તેના કોલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે. મિત્રો હંમેશા પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે. કોઈ જગ્યા પર જરૂર પડે ત્યારે નાનું ટેબલ સ્ટુલ સાથે પોતાનું કાર્ય કરે છે

પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું
સૌથી નાની હાઈટ ધરાવતા ડોક્ટર ગણેશનું તાઈવાનના પ્રમુખ સન્માન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ડોકટર ગણેશ માત્ર ભારતના જ નહી પરંતુ વિશ્વના સૌથી નાની ઉંચાઈ ધરાવતા ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ગત સપ્ટેમ્બર માસમાં તાઈવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડો.ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ડોકટર ગણેશનું સન્માન કરવામાં આવે છે. માતા-પિતા ગરીબ પરિવારના ખેત મજુર છે. જેના પરિવારમાં સાત બહેનો અને એક ભાઈ છે. કાકાના અન્ય પાંચ પુત્રો પણ ડૉક્ટર છે. ડોક્ટર ગણેશ કહે છે કે તેણે પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. 

ગણેશ એક ફ્રેન્ડલી સ્વાભાવ સાથે દર્દીઓને કરે છે ટ્રીટ 
ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરતી વખતે શાળાના સંચાલકોનો ઘણો સહયોગ મળ્યો. ત્યારે મને કહેવામાં આવ્યું કે તું સખત મહેનત કર અને જો તું આટલી નાની ઉંચાઈ સાથે ડોક્ટર બનીશ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે. જેનાથી પ્રેરણા મળ્યા બાદ વધુ મહેનત કરી અને સખ્ત મહેનત બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડોક્ટર ગણેશ, જે હંમેશા હસતા ચહેરા સાથે લોકોને મળે છે. તેમના પરિવારમાં માતા-પિતા, સાત મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. પિતા ખેતીકામ કરે છે. ડોકટર ગણેશની સાતેય બહેનો લગ્ન કરી સાસરીયે છે. નાનો ભાઈ B.Ed નો અભ્યાસ કરે છે. અને ગણેશ ઉપરાંત તેના જુદા જુદા કાકાઓના કુલ પાંચ પુત્રો પણ ડોક્ટર છે. શરૂઆતમાં મિત્રોને પણ ગણેશની સફળતા અંગે શંકા હતી. જોકે ડોકટર ગણેશએ આ તમામ મુશ્કેલીઓમાંથી સફળતાના શીખર સર કર્યા છે. સાથે ડોકટર ગણેશને જ્યારે દર્દીઓ પ્રથમવાર જોવે છે. ત્યારે ઉંચાઈ નાની હોવાથી આશ્ચર્ય પામે છે. પરંતુ પછી વાતચીત કર્યા બાદ દર્દીઓને પોતાની સારવાર લેવા સાથે આનંદ પણ થાય છે. કારણ કે ડોકટર ગણેશ એક ફ્રેન્ડલી સ્વાભાવ સાથે દર્દીઓને ટ્રીટ કરે છે. 

શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ
હાલ તો તે અન્ય તેમના જેવા શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ પૂરું પડી જણાવે છે કે તમારામાં રહેલી શક્તિ અને ટેલેન્ટ કોઈપણ પ્રકારની ખોટખાપણને નડતું નથી. બસ મનમાં વિશ્વાસ અને પોતાના પર ભરોસો રાખી આગળ વધશો તો હંમેશા સફળતા મળશે. ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન, ડો. અમિત પરમારે પણ ડો. ગણેશના સંઘર્ષને બિરદાવ્યો હતો, તેમજ જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાદ નાસીપાસ થઈ હિંમત હારી જતા હોય છે. એવા યુવાનોએ ડો. ગણેશ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ ને જોઈને તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ એવું જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news