શંકર ચૌધરીએ પક્ષમાંથી કેમ રાજીનામું આપ્યું? હવે શરૂ કરશે રાજનીતિનો નવો ‘અધ્યાય’

Shankar Chaudhary Elected as Speaker : સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષ બનવું એ રાજકીય નિવૃતિ તરફનું પગલું હોવાનું રાજકીય પંડિતો માને છે, પરંતું શંકર ચૌધરી રાજકીય અને સહકાર ક્ષેત્રે પક્ષના ટ્રબલ શૂટર રહ્યા

શંકર ચૌધરીએ પક્ષમાંથી કેમ રાજીનામું આપ્યું? હવે શરૂ કરશે રાજનીતિનો નવો ‘અધ્યાય’

Gujarat Assembly બ્રિજેશ દોશી/ગાંધીનગર : થરાદના ધારાસભ્ય બન્યાના 11 માં દિવસે શંકર ચૌધરીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચીને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને રાજીનામું સોપ્યું હતું. 15 મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત થાય તે પહેલાં ભાજપ તરફથી શંકર ચૌધરી અને જેઠા ભરવાડે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યા. ભાજપના ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બંને ધારાસભ્યોએ વિધાનસભા સચિવને ફોર્મ ભરીને દાવેદારી કરી. 

ભાજપે ચૂંટણીમાં ઐતિહાસીક જીત મેળવ્યા બાદ વિધાનસભા ગૃહના અધ્યક્ષની મહત્ત્વની જવાબદારી શંકર ચૌધરીના શિરે મૂકી. સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષ બનવું એ રાજકીય નિવૃતિ તરફનું પગલું હોવાનું રાજકીય પંડિતો માને છે. પણ ભાજપે વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા બાદ મંત્રી પદ આપ્યાના પણ 2 ઉદાહરણો જોવા મળ્યા છે અને એ બંને નેતાઓ આ વખતે પણ ધારાસભ્ય બન્યા છે. જો કે શંકર ચૌધરીની બાબતમાં આગળ શું થશે એ તો પક્ષનું મોવડી મંડળ જ જાણે છે. જો કે વિરોધીઓ એ શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી પર શંકાઓ ઉભી કરવાની શરૂ કરી દીધી છે.

કોણ છે શંકર ચૌધરી
હાલમાં થરાદ બેઠકથી ભાજપના ધારાસભ્ય છે ચૌધરી. 5 મી વખત ભાજપના ધારાસભ્ય બન્યા છે શંકર ચૌધરી 

shankar_chaudhary_zee.jpg

શંકર ચૌધરીને યુવા વયે સક્રિય રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદી લાવ્યા હતા. યુવા શંકર ચૌધરી વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેઓ RSS ના નગર કાર્યવાહ હતા. તેના બાદ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીએ શંકર ચૌધરીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણીમાં હાર બાદ પણ શંકર ચૌધરી ત્યાં જ સક્રિય રહ્યા હતા. ચૂંટણી હાર્યા બાદ તેમને ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બનાવાયા હતા. તેમની આ પછીની કારકિર્દી પર નજર કરીએ તો... 

વર્ષ 1998 માં રાધનપુર બેઠકથી ધારાસભ્ય બન્યા
ત્યારબાદ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા હતા  
કોંગ્રેસ શાસિત બનાસ બેંકમાં ડિરેક્ટર બન્યા 
2004-05 માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બન્યા 
2007-08 માં બનાસ બેંકના ચેરમેન બન્યા ત્યારે બેંક ફડચામાં હતી. બેંકને નાણાંકીય ગેરરીતિ માથી બહાર કાઢી મજબૂત કરી 
વર્ષ 2009 માં પ્રદેશ ભાજપના મહા મંત્રીની જવાબદારી મળી 
વર્ષ 2009 માં GSC બેંકના વાઈસ ચેરમેન બન્યા, જે હજુ પણ યથાવત છે 
વર્ષ 2014 માં આનંદીબેન પટેલ સરકારમાં આરોગ્ય રાજ્યમંત્રી બન્યા 

બનાસ ડેરીના વિકાસમાં મોટો રોલ 
વર્ષ 2015 માં બનાસ ડેરીના ચેરમેન બન્યા. ચેરમેન બન્યા બાદ ડેરીની આર્થિક સ્થિતિ મજબૂત કરી. પશુપાલકોને મળતા દૂધના નાણાં વધાર્યા, ભાવ ફેર આપીને પશુપાલકોને પણ આર્થિક સમૃદ્ધિ તરફ લઈ ગયા. રાષ્ટ્રીય સ્તરે 6 રાજ્યોમાં બનાસ ડેરીનો વ્યાપ વધાર્યો. માત્ર 7 વર્ષમાં ડેરીની મિલકત 650 કરોડથી વધારીને 2900 કરોડ સુધી પહોંચાડી. 

વિજય રૂપાણીની સરકારમાં પણ મંત્રી રહ્યા અને બનાસકાંઠાના પૂર સમયે લોકો માટે સતત કામ કર્યું હતું. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ બનાસ ડેરીના વિસ્તરણ પર પૂરું જોર લગાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વિશ્વાસુ અને સંઘર્ષના સાથી તરીકે કામ કર્યું. આમ, રાજકીય અને સહકાર ક્ષેત્રે પક્ષના ટ્રબલ શૂટર રહ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news