દોરીથી તો બચી ગયા છરીથી ન બચી શક્યા, દોરી વાગવા બાબતે બે જુથો વચ્ચે લોહીયાળ જંગ અને...

દોરીથી તો બચી ગયા છરીથી ન બચી શક્યા, દોરી વાગવા બાબતે બે જુથો વચ્ચે લોહીયાળ જંગ અને...

* દોરીથી બચવા ઠપકો આપતા ખુની ખેલ
* સામાન્ય તકરારે લીધો હિસંક રૂપ
* એક યુવકની હત્યાથી તંગદીલી
* પોલીસે બે આરોપીની કરી અટકાયત

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ગ્રામ્યના સાણંદમા ઉત્તરાયણના દિવસે ખુની ખેલ ખેલાયો. પંતગની દોરી માટે બાઈક ધીમે ચલાવવાનું કહેતા બે પક્ષો વચ્ચે થયેલી અથડામણમાં એક યુવકની હત્યા કરવામાં આવી. જોકે સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી. અમદાવાદના સાણંદ ગામમા સામાન્ય બાબતે થયેલી તકરારે હિસંક સ્વરૂપ ધારણ કર્યુ. જેમા એક યુવકની હત્યા થતાં સનસનાટી મચી ગઈ. ઉત્તરાયણના પર્વને લઈને સાણંદમા બજાર ધમધમી રહયું હતું ત્યારે બાઈક પર જઈ રહેલા અજય ભાટીયાનુ બાઈક શાકભાજીનો ધંધો કરતા પવન રાણાની લારી સાથે તકરાતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાના સમાધાનને લઈને અજય ભાટીયા, દીપરાજ ઠાકોર અને સંજય ઠાકોર તેમની લારીએ પહોચ્યાં હતા. જયાં બંન્ને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં સંજય ઠાકોરને છરીના ઘા ઝીકી દેવાતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

પોલીસે ભીખા રાણા, પવન રાણા અને મયુર ઉર્ફે મયલો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આરોપીના પરિવારના આક્ષેપ છે કે, મરનાર અને તેના મિત્રોએ ઘરમા ઘુસીને તોડફોડ કરીને હુમલો કર્યો હતો. તેઓને દોરીથી બચવા બાઈક ધીમે ચલાવવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. દોરીથી બચવા ઠપકો આપવા અને બાઈક લારીથી અથડાઈ જવાના વિવાદો વચ્ચે ખુની ખેલ સાણંદમા ખેલાયો. 

સંજય ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમા તંગદીલી જેવુ વાતાવરણ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અથડામણ બાબતની સામાન્ય તકરારમા બે પક્ષો વચ્ચે થયેલા ઘર્ષણમાં સંજય ઠાકોરની હત્યા થઈ હોવાનુ તપાસમા ખુલ્યુ છે. સાણંદ પોલીસે હત્યા અને મારામારીની ક્રોસ ફરિયાદ નોંધીને પવન રાણા અને ભીખા રાણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી. સાણંદમા ખેલાયેલા ખુની ખેલમા મૃતક અને તેના ભાઈઓ આરોપીની ઘરે હુમલો કરવા માટે પહોંચ્યા હોવાનુ પોલીસને પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે. આ હત્યા કેસમાં મયુર ઉર્ફે મયલો નામનો આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news