મોરબીમાં મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી, ડેમ તૂટતા સર્જાયુ હતું મોતનું તાંડવ
મોરબીના લોકો આજે પણ આ કાળા દિવસને યાદ કરીને પોતાની આંખના આસુ રોકી શકતા નથી.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબીઃ મોરબીના લોકો 11 ઓગસ્ટને ક્યારેય ભૂલી શકશે નહીં. મોરબીમાં 11 ઓગસ્ટ, 1979ના દિવસે મચ્છુ જળ હોનારત સર્જાઈ હતી. આજે આ ઘટનાને 41 વર્ષ પૂરા થયા છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. આજે 41 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતા લોકોની આંખમાં આસુ આવી જાય છે. મોરબીમાં દર વર્ષે આ દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમ મોફૂક રાખવામાં આવ્યો છે.
11મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 41 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદી-જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. 11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના. જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી.
મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. એટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.
દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 41 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી. આ વર્ષે કોરોનાના લીધે પાલિકા દ્વારા મૌન રેલી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કોવીડ-19 ના લીધે મોકૂફ રાખવામાં આવ્યો છે
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે