Traditional recipe: દાહોદ જિલ્લાની આગવી ઓળખ છે "દાલ પાનિયા ", જાવ તો ખાવાનું ચૂકતા નહી
Dal Paniya Recipe: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ મેનપુર ગામે રહેતા રાઠોડ દિનેશભાઇ શનાભાઈ દાલ પાનિયા પરંપરાગત રીતથી બનાવે છે. એમણે કહ્યું કે, "મકાઈના કરકરા લોટમાં દૂધ,ઘી,નમક અને જીરું નાખીને તેને બરાબર ચીકણો લોટ થાય ત્યાં સુધી મસળવામાં આવે છે.
Trending Photos
Traditional recipe: ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલ આદિવાસી જિલ્લા તરીકે નામના પામેલ જિલ્લો એટલે દાહોદ. આમ તો આ જિલ્લાનું મૂળ નામ ' દોહદ ' છે, કારણ કે તે મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો જિલ્લો છે.એ બન્ને રાજ્યની સીમાની હદ પર આવેલ હોવાથી તેને ' દોહદ ' કહેવામાં આવતું હતું. પરંતુ ત્યાંના મૂળ આદિવાસીઓની મૂળ સ્થાનિક આદિવાસી ભાષા મોટાભાગે હિન્દી - ગુજરાતી મિક્સ હોવાથી સમય જતા ' દોહદ ' માંથી ' દાહોદ ' નામ થઇ ગયું એમ કહેવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી રહેલી છે. જેઓનો વનવગડા સાથે અનન્ય નાતો હોય છે.દાહોદમાં દરેક ધર્મ - જાતિના લોકો રહે છે, જેમ કે ભીલ, પટેલીયા, કોળી, પટેલ, રાજપૂત, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, સિંધી, હરિજન, વણકર, કુંભાર અને બ્રાહ્મણ જેવી અનેક સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આપણો સરહદી જિલ્લો દાહોદ. ત્યાંની પ્રજા આદિવાસી હોવાને નાતે ત્યાં આવનાર દરેકને પ્રેમથી આવકાર આપે પછી ભલેને સામેવાળી વ્યક્તિ અજાણી કેમ ના હોય...!
દાહોદની વાત હોય અને ત્યાંની સંસ્કૃતિની વાત કરીએ ત્યારે એમ જરૂર થાય કે હજીય કંઈક ખૂટે છે. દાહોદની સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવી અર્થાત્ત તેને અમુક શબ્દોમાં બાંધવી, જે બિલકુલ અશક્ય છે. કારણ કે, દાહોદની સંસ્કૃતિને સમજવા માટે ફકત સમય જ નહીં પરંતુ ભાવ પણ જરૂરી છે. કારણ કે, ત્યાંના લોકો ભોળા અને સ્વભાવે મળતાવડા હોય છે.તેઓનો આવકાર પણ એટલો જ મીઠડો હોય છે જેમ ત્યાંના' દાલ પાનિયા'.જે ત્યાંના આદિવાસીઓની ખાસ ઓળખ છે. દાહોદની સંસ્કૃતિમાં વનભોજન એટલે 'દાલ પાનિયા'.જે ત્યાંના લોકો સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગ અથવા તો શિયાળાના સમયમાં ખાસ કરીને બનાવતા હોય છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ મેનપુર ગામે રહેતા રાઠોડ દિનેશભાઇ શનાભાઈ દાલ પાનિયા પરંપરાગત રીતથી બનાવે છે. એમણે કહ્યું કે, "મકાઈના કરકરા લોટમાં દૂધ,ઘી,નમક અને જીરું નાખીને તેને બરાબર ચીકણો લોટ થાય ત્યાં સુધી મસળવામાં આવે છે, ત્યાર પછી તેને નાના ગોળ આકારમાં લુવા બનાવીને આંકડાના પાનમાં મૂકી જંગલમાંથી વીણેલા સ્પેશ્યલ 'અડિયા છાણાં' પર બન્ને બાજુથી બરાબર શેકીને ફોતરાં સાથેની અડદની દાળને ચૂલા પર બાફીને એ દાળમાં અલગથી બનાવેલ આખા ગરમ મસાલા સાથે દેશી ટામેટા,આખું લસણ, ધણા અને પથ્થરના ખલમાં વાટેલાં લસણ,આદું અને લાલ મરચાં ને વઘારીને એ બાફેલી દાળમાં અલગથી મિક્સ કરવામાં આવે છે.એના પછી લાલ ચટણી જેને આપણે ડ્રાય ચટણી કહીએ એવી જ પણ દાલ પાનિયાની ચટણી થોડી કરકરી અને પથ્થરના ખલમાં જ દેશી લાલ સુ્કાં મરચાં, લસણ, જીરું,આદું અને આખા ધણાને મિક્સ કરીને વાટીને તૈયાર કરવામાં આવે છે."
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
હા,દાળમાં દેશી શુદ્ધ અને ચોખ્ખું ઘી નાખવામાં આવે છે, ને પછી એની જે સોડમ હોય છે તે આજુબાજુનાયને લલચાવે એવી હોય છે.આમ જોઈએ તો દાલ પાનિયા મેહનત માંગી લે તેવું ખાણું છે પરંતુ એને બનાવતી વખતે જે ભૂખ લાગે અને આરોગ્યા પછી જે પેટમાં ઠંડક વળે એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે, કેમકે એને તો બસ માણી શકાય, વાતો નહીં.
દિનેશભાઇ ના કહેવા મુજબ મેનપુર ગામમાં તેઓ જ ફકત છે જે પાનિયા ની મૂળ રીત જાણે છે અને બનાવે છે અને એમાં નખાતી મોટાભાગની બધી જ વસ્તુઓ દેશી અને ઘરની જ હોવાથી એનો મૂળ સ્વાદ સચવાઈ રહે છે. પાનિયા ખાખરાના પાનમાં પણ બનાવી શકાય છે, પરંતુ મૂળ રીત મુજબ પાનિયા આંકડાના પાન થકી જ બનાવાય છે.પરંતુ આજના સમયમાં બહારની ખાણી પીણી પાછળ ઘેલા થયેલા લોકો હવે મૂળ ખોરાકને ભૂલતા જાય છે.રીત રસમ અને સંસ્કૃતિ જેવું જુના અને અમુક લોકોએ જ સાચવી રાખ્યું છે.
નલધા ધોધ, રતનમહાલ, ઉધાલ મહુડા અને દાહોદના અન્ય સ્થળોએ ફરવા અર્થે આવતાં અનેક પ્રવાસીઓ અહીં દાલ પાનીયા ખાવા આવે છે.ઘણાય લોકો ખાસ પાનિયા ખાવા માટે ગ્રુપમાં અહીં આવતાં હોય છે.અહીંના કુદરતી માહોલમાં અવનવી રમતો અને અંતાક્ષરી રમીને અથવા તો ગામની વાડીઓમાં ભ્રમણ માટે પગદંડીઓ પર આખો દિવસ અહીં પસાર કરીને દાલ પાનિયા આરોગીને પછી જ અહીંથી જાય છે.
ખરેખર,કુદરતને ખોળે રમતું ગામ એટલે દાહોદનું મેનપુર ગામ. જ્યાં ચારેબાજુ ઊંચા પહાડો પર કુદરત બિરાજમાન હોય,વનરાજી વિંઝણો નાખતી હોય અને ખુદ જંગલ દેવતા જેની રક્ષા કરતા હોય એ ગામના લોકો ખરે જ બે હાથ જોડીને 'આવો પ્રણામ' એવો મીઠો આવકાર આપે અને એ મીઠાશમાંય પાછી દાલ પાનિયાની મીઠાશ ઉમેરાય તો પછી પૂછવું જ શું...!
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે